રાજ્ય પોલીસ દળની 16મી T20 ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો પ્રારંભ
રાજ્યમાં પોલીસ દળમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તથા વિવિધ કક્ષાના અધિકારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સદ્દભાવના તેમજ સંકલન કેળવાય, પરસ્પર સહકારની ભાવના અને ખેલદિલી વિકસે એ હેતુથી ગુજરાત રાજ્ય પોલીસ ડીજીપી ક્રિકેટ કમિટી દ્વારા સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ, પીપલોદ ખાતે આયોજિત 16મી T20 ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત રાજય પોલીસ દળના વિવિધ યુનિટ વચ્ચે છેલ્લા 29 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે T20 ડીજીપી કપની યજમાની કરી રહેલા સુરતમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી શહેરી અને રેન્જ પોલીસ દળોની અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, તાલીમ સંસ્થાઓ, સુરત રેન્જ, એસ.આર.પી જૂથો, અમદાવાદ રેન્જ, ડીજી કમ્બાઈન, ભાવનગર રેન્જ, જૂનાગઢ રેન્જ, વડોદરા રેન્જ, ડીજી પ્રિઝન, ગોધરા રેન્જ, ગાંધીનગર રેન્જ, રાજકોટ રેન્જ, બોર્ડર રેન્જ, વેસ્ટર્ન રેલવે મળી કુલ 18 ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટના પ્રારંભે તમામ ટીમોની પરેડ તેમજ તલવાર નૃત્ય, ગરબા પ્રસ્તુતિ તેમજ રમત શપથગ્રહણ વિધિ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સુરતમાં રાજ્યના તમામ પોલીસ દળોને આવકારતા ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર પોલીસ પરિવારના ઉત્સાહ અને કામગીરીને બિરદાવી હતી. તેમણે ક્રિકેટની રમતને પરસ્પર ટીમ સ્પિરીટની ભાવનાને ઉજાગર કરતું શ્રેષ્ઠ માધ્યમ ગણાવી તમામ રમતવીરોને જુસ્સા અને સ્પોર્ટ્સમેનશીપ સાથે રમત રમવા અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસ જવાનોને વિભિન્ન સ્પોર્ટ્સમાં પ્રેક્ટિસ અને ટ્રેનિંગ માટેનું પ્લેટફોર્મ પૂરી પાડતી યોજના શરૂ કરાશે, જે તેમને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરશે. રાજ્યને સલામતી પ્રદાન કરી ઉત્તમ કામગીરી કરતાં પોલીસકર્મીઓ આ પ્લેટફોર્મથી મનગમતી રમતમાં પારંગત થઈ સ્પોર્ટ્સમાં પણ પોલીસ વિભાગનું નામ રોશન કરશે અને શારિરીક તેમજ માનસિક રીતે પણ મજબૂત બની શકશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગયા વર્ષ કરતા 11 ઘણું વધુ ડ્રગ્સ પકડાયું તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે તમામ રમતવીરોનો ઉત્સાહ વધારતા વર્ષોથી પ્રણાલીરૂપ ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલીથી રમવા જણાવ્યું હતું. તોમરે કહ્યું કે, આ પ્રકારની પ્રતિયોગિતાથી પોલીસ વિભાગને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. ગૃહમંત્રીના પ્રોત્સાહન થકી આગામી સમયમાં આઈ.પી.એલ અને ઈન્ડિયન નેશનલ ટીમમાં ગુજરાત પોલીસ વિભાગના ખેલાડીઓ સામેલ થઈ રમતગમત ક્ષેત્રે ગુજરાત નવા કીર્તિમાન સ્થાપે એવી આકાંક્ષા પણ તેમણે વ્યકત કરી હતી.
આ વેળાએ ગૃહરાજયમંત્રીએ ગુજરાત પોલીસની ભાવનગર ટીમમાંથી રમતા અને ગત વર્ષે શહિદ થયેલા પોલીસ કોન્સ્ટેબલ સ્વ.ભીખુભાઈ લુકેશના પરિવારને ડી.જી.પી પોલીસ ક્રિકેટ ગૃપના ખેલાડીઓ તરફથી રૂ.2.50 લાખનો ચેક અર્પણ કર્યો હતો, અને ઓલ ઈન્ડીયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં રાજ્યના બે પોલીસ અધિકારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા મેડલ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડી.આઈ.જી. રાજેન્દ્ર અસારી, સુરત રેન્જના એડીશનલ ડી.જી.પી. પિયુષ પટેલ, લાલભાઈ સ્ટેડિયમના હેમંતભાઈ કોન્ટ્રાકટર તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ: ઉદ્ગમ સ્કૂલની કરોડોના ફી ઉઘરાણી કર્યાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા