ધોરણ-10-12 બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ, સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા પ્રશ્નપત્રો
રાજ્યભરમાં આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. આ વર્ષની પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ છે અને તેના ભાગરૂપે પરીક્ષાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા છે. પોલીસ સુરક્ષા વચ્ચે પ્રશ્નપત્રો રખાયેલા રૂમને સીલ મરાયું છે. હવે પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રો સેન્ટર પર પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યમાં 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ક્યાં-કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો છે જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525, વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ.10ની પરીક્ષા રાજ્યના કુલ 83 ઝોનના 958 કેન્દ્રોના 31,819 બ્લોકમાં લેવામાં આવશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં નિયમિત 4,80,794, ખાનગી નિયમિત 34,617, રિપીટર 29,981, આઈસોલેટેડ 7280 અને ખાનગી રિપીટર 12,856 વિદ્યાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા 56 ઝોન અને 665 કેન્દ્રના કુલ 18,389 બ્લોકમાં લેવામાં આવશે. સાયન્સની પરીક્ષા માટે 56 ઝોન, 140 કેન્દ્ર અને 6,425 બ્લોકમાં વ્યવસ્થા કરાઈ છે.
157 જેલના બંદીવાન બોર્ડની પરીક્ષા આપશે
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી જેલના બંદીવાન પણ પરીક્ષામાં ઉપસ્થિત રહે છે અને આ સંખ્યામા નિયમિત વધારો પણ થયો છે. આ વખતે ધોરણ-10માં 101 અને ધોરણ-12માં 56 જેલના બંદીવાન ખાનગી વિદ્યાર્થી તરીકે નોંધાયા છે.