મુંબઈના દરિયાકાંઠે અકસ્માત બાદ ALH ધ્રુવ હેલિકોપ્ટર સ્થગિત કરાયું
મુંબઈના દરિયાકાંઠે બે દિવસ પહેલા થયેલા અકસ્માત બાદ સંરક્ષણ દળોએ ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરી દીધું છે. જ્યાં સુધી તપાસકર્તાઓ હેલિકોપ્ટર ક્રેશનું કારણ નક્કી નહીં કરે ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે. ALH હેલિકોપ્ટર ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા સંચાલિત થાય છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તપાસકર્તાઓ મુંબઈના દરિયાકાંઠે હેલિકોપ્ટરની ઘટનાનું કારણ શોધી ન લે અને સાવચેતીભરી તપાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
લશ્કરી કર્મચારીઓ અને સામગ્રીના પરિવહન માટે ઉપયોગી
એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવ એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત મલ્ટીરોલ હેલિકોપ્ટર છે. તેનો ઉપયોગ લશ્કરી કર્મચારીઓ અને સામગ્રીના પરિવહન સહિત અનેક ભૂમિકાઓમાં થાય છે. એચએએલના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે હેલિકોપ્ટરનું સંચાલન બંધ ન થાય તેની ખાતરી કરવા માટે કંપની ગ્રાહકો સાથે મળીને કામ કરશે.
ALH ધ્રુવે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું
તમને જણાવી દઈએ કે, બુધવારે નેવીના ALH ધ્રુવ હેલિકોપ્ટરે ટેક્નિકલ સમસ્યાને કારણે મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ પછી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો શિકાર બન્યો હતો. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો. નેવીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.