H3N2 ઈન્ફલ્યુએન્ઝા ચેપ દેશમાં ઘાતક બની ગયો છે. હરિયાણા અને કર્ણાટકમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં H3N2 સહિત વિવિધ ફ્લૂથી સંક્રમિત ત્રણ હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી જાન્યુઆરીમાં 1,245 દર્દીઓ મળી આવ્યા હતા. ફેબ્રુઆરીમાં 1,307 અને 1 થી 9 માર્ચ સુધીમાં 486 દર્દીઓ મળી આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને સતર્ક રહેવા અને વધતા સંક્રમણ પર સતત નજર રાખવા સૂચના આપી છે. તેમજ તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી. દરમિયાન આજે નીતિ આયોગ રાજ્યોના આરોગ્ય વિભાગો સાથે બેઠક કરશે. દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને એમ્પાવર્ડ ગ્રુપ અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર COVID-19 (NEGVAC) એ પણ આજે એક આંતરિક બેઠક બોલાવી છે.
ચિંતા કરવાની જરૂર નથી
મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે રાજ્યના સર્વેલન્સ સત્તાવાળાઓ આ જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગભરાવાની જરૂર નથી. કોવિડ તકેદારીના નિયમોનું પાલન કરીને આને ટાળી શકાય છે. આ વર્ષે 10 લાખથી વધુ લોકો તીવ્ર શ્વસન બિમારી/ઈન્ફલ્યુએન્ઝા (ARI/ILI)થી પ્રભાવિત થયા છે. જાન્યુઆરીમાં 3,97,814 અને ફેબ્રુઆરીમાં 4,36,523 અને માર્ચના પ્રથમ સપ્તાહમાં 1,33,412 લોકોને ચેપ લાગ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં 7041, ફેબ્રુઆરીમાં 6919 અને 9 માર્ચ સુધી 1866 દર્દીઓને દાખલ કરવા પડ્યા હતા. સહ-રોગથી પીડાતા યુવાનો, બાળકો અને વૃદ્ધોએ મહત્તમ સાવધાની રાખવાની જરૂર છે.
માર્ચના અંત સુધીમાં ચેપમાં ઘટાડો થવાની ધારણા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાના દર્દીઓ આવી રહ્યા છે. H3N2 ચેપનો વ્યાપ પણ વધી રહ્યો હોવાનું જણાય છે. મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે માર્ચના અંત સુધીમાં ચેપનો ફેલાવો ઓછો થઈ શકે છે. સરકાર આંતર-મંત્રાલય બેઠક પણ યોજવા જઈ રહી છે.
રાજ્યો પાસે પૂરતી H3N2 દવા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર H3N2 માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભલામણ કરાયેલ દવા ઓસેલ્ટામિવીર મફતમાં ઉપલબ્ધ કરાવે છે. રાજ્યો પાસે આ દવાનો પૂરતો સ્ટોક છે. મંત્રાલયનું કહેવું છે કે, સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ પર ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) નેટવર્ક દ્વારા વાસ્તવિક સમયના ધોરણે નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મોસમી ઈન્ફલ્યુએન્ઝા એ ઈન્ફલ્યુએન્ઝા વાયરસને કારણે થતો તીવ્ર શ્વસન ચેપ છે. ભારતમાં દર વર્ષે મોસમી ઈન્ફલ્યુએન્ઝાના બે શિખરો જોવા મળે છે, એક જાન્યુઆરીથી માર્ચ સુધી અને બીજું ચોમાસા પછી. આવી સ્થિતિમાં, આશા છે કે માર્ચના અંત સુધીમાં ચેપના આ કેસમાં ઘટાડો થઈ શકે છે.
કેન્દ્ર-રાજ્ય સાથે મળીને કામ કરે છે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં H3N2 ના વધતા કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યોને એલર્ટ રહેવા અને સ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને સ્વાસ્થ્યના પગલાં સાથે તૈયાર છે.