અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાયાને આઠ દિવસ થયા હોવા છતાં આ વિવાદનો કોઈ અંત આવ્યો નથી. ત્યારે આજે શનિવારે અંબાજી શહેર બંધ રાખવાની જાહેરાત અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે વહેલી સવારથી એટલે કે મંદિર ખુલ્લે ત્યારથી જ તમામ બજારો ખુલ્લી જતી હોય છે તે આજે હજુસુધી ખુલ્લી નથી એટલે કે અંબાજી બંધમાં તમામ વેપારીઓ સ્વયંભૂ જોડાઈ રહ્યા છે.
ભાજપ ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ
અંબાજી મંદિરમાં શુદ્ધ ઘીનો મોહનથાળ બંધ કરાતા અંબાજી ભાજપના ઉપપ્રમુખે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. અંબાજી ભાજપના ઉપપ્રમુખ એ જણાવ્યું હતું કે, હું અંબાજીમાં રહું છું અને જ્યારથી સમજણ આવી ત્યારથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલો હતો. છેલ્લા ટર્મમાં હું અંબાજી ભાજપના ઉપપ્રમુખની જવાબદારી નિભાવતો હતો. છેલ્લા આઠ દિવસથી માતાજીના રાજભોગ અને મોહનથાળ માટે અમે લડત ચલાવી રહ્યાં છીએ. ત્યારે મને એમ હતું કે, અધિકારી કે પદાધિકારીની કોઈ સૂચના આવશે કે એમનો કોઈ નિર્ણય આવશે એની રાહ જોઈ, પરંતુ માતાજીની શ્રદ્ધાની સામે એ લોકો એ ચેડા કર્યા છે.
ભક્તોએ મોહનથાળ બનાવી નિઃશુલ્ક વેંચ્યો
બીજી બાજુ જગતજનની અંબાના મંદિરમાં પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો શુદ્ધ ઘીમાં બનેલો મોહનથાળ પ્રસાદને બંધ કરાતા સમગ્ર દેશ દુનિયામાં ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આઠ દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થતા ભક્તોએ સ્વૈચ્છિક રોજ 200 કિલો મોહનથાળ બનાવી નિ:શુલ્ક ભક્તોને આપવાનો નિર્ણય કર્યો છે. ભક્તો દ્વારા મોહનથાળ બનાવી અંબાજી મંદિરમાં નિ:શુલ્ક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો હતો. ભક્તોએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર અને સત્તાધિકારીઓ દ્વારા મોહનથાળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય ખોટો છે. માતાજીના મંદિરમાં ફરીથી મોહનથાળ પ્રસાદ શરૂ કરાય તેવી માગ પણ કરી હતી. તો સાથે સાથે આ નિર્ણયો લેવા વાળાને માતાજી સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.