ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સુરતમાં આટલી સહાય ચૂકવાઇ
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના અંતિમ વ્યક્તિને સરકારી સેવાના લાભો – સહાય કરવી એ જ અમારું પ્રથમ લક્ષ્ય છે. રાજ્યમાં અમલી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સુરત જિલ્લામાં 2,473 લાભાર્થીઓને રૂપિયા 1.60 કરોડની સહાય ચૂકવાઇ છે.
1995માં યોજનાની શરુઆત થઈ
વિધાનસભા ખાતે સુરત જિલ્લામાં વય વંદના યોજના હેઠળ સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1995માં શરૂ કરાઈ હતી અને રાજ્યમાં પણ આ જ વર્ષથી અમલ શરૂ કરાયો છે.
આ યોજનાનો હેતુ
આ યોજનાનું મુખ્ય હેતુ વૃદ્ધ વ્યક્તિને આર્થિક સલામતી પૂરી પાડવાનો છે.જેમાં નિરાધાર વ્યક્તિ હોય જેને પોતાનું કોઈ આવક માટેનું સાધન ન હોય,પરિવારના સભ્યો કે અન્ય કોઈ સભ્યને આજીવીકા મળતી ન હોય તેવા વૃદ્ધોને આ યોજના હેઠળ આવરી લઈને આર્થિક સહાય આપવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
ઉલ્લેખનીય છે કે વૃદ્ધ વ્યક્તિઓને સામાજિક સુરક્ષા પ્રદાન થાય અને તેઓને આર્થીક રીતે કોઈના પર આધાર ન રાખવો પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત 60 વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-2011માં સુધારેલી વયમર્યાદા મુજબ 65 વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તેવા વુદ્ધોને આ લાભ આપવામાં આવે છે.
જાણો કેટલી મળે છે સહાય
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત 60 થી 89 વર્ષ સુધીનાને રાજ્ય સરકાર દ્વારા રૂ. 550 અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 મળી કુલ રૂ. 750 ની સહાય ચૂકવાય છે. તેમજ 90 વર્ષથી વધુને રાજ્ય સરકાર દ્વારા રૂ.500 અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 500 મળી કુલ રૂ. 1000ની સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો : ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, આ કારણે 5 વર્ષનો સંબંધ તૂટ્યો