વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપરથી પરત દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે આ પહેલા ગઈકાલે તેમણે રાજભવનમાં રાત્રી રોકાણ દરમિયાન પોતાના નજીકના મીત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. જો કે તેમની આ મુલાકાત અંગે ઘણી અટકળો વહેતી થઈ હતી. પરંતુ હકીકત કંઈક અલગ જ હોવાનું શંકરસિંહ વાઘેલાની ઓફીસ તરફથી નિવેદનમાં જાણવા મળ્યું છે.
પૌત્રના લગ્નનું આમંત્રણ આપવા ગયા હતા વાઘેલા
મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાતનું કારણ શંકરસિંહના પૌત્રના લગ્નનું આમંત્રણ આપવા માટેનું હતું. તેમની સાથે પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા હતા. આ બંને નેતાઓ વચ્ચે લાંબો સમય સુધી વાતચીત થઈ હતી. લગભગ દોઢેક કલાકની ચર્ચા બાદ બંને નેતાઓ છુટા પડ્યા હતા.
મુલાકાત દરમિયાન રાજકીય ચર્ચા નથી થઈ
દરમિયાન શંકરસિંહ વાઘેલાના ઓફિસ સ્ટાફ તરફથી મળેલી માહિતી મુજબ બંને નેતાઓ વચ્ચે માત્ર ઔપચારિક મુલાકાત હતી. બંને નેતાઓ માત્ર પારિવારિક મુલાકાત માટે ભેગા થયા હતા. શંકરસિંહના પૌત્રના લગ્ન હોય જે બાબતે આમંત્રણ આપવા માટે તેઓ ગયા હોવાનું નિવેદન સામે આવ્યું છે. વધુમાં આ બંને નેતાઓ વચ્ચે કોઈ રાજકીય ચર્ચા થઇ ન હતી તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. જો કે કોઈ રાજકીય ચર્ચા થઇ હોય તો પણ હાલ આ ચર્ચા અંગે વાઘેલા કે તેમના સ્ટાફ દ્વારા સત્તાવાર જણાવવામાં આવ્યું નથી.