ટોપ ન્યૂઝનેશનલ

CBI બાદ મનીષ સિસોદિયાના ગળામાં EDનો ગાળીયો, લિકર પોલિસી કેસમાં ધરપકડ

Text To Speech

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મની લોન્ડરિંગના કેસમાં ગુરુવારે લગભગ 8 કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. ઇડી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ મામલામાં EDની ટીમ ગુરુવારે સિસોદિયાની પૂછપરછ કરવા તિહાર જેલ પહોંચી હતી.

બે દિવસ સુધી 8 કલાક પુછપરછ કરાઈ

મળતી માહિતી મુજબ, ED તેમની બે દિવસથી પૂછપરછ કરી રહી હતી. એજન્સીએ સૌથી પહેલા 7 માર્ચે સિસોદિયાની લગભગ 6 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પછી 9 માર્ચે 2 કલાક સુધી સવાલ-જવાબ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન સિસોદિયાએ સંતોષકારક જવાબો આપ્યા ન હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ED એ કોર્ટ પાસે માંગી હતી પરવાનગી

બીજી તરફ EDની ધરપકડ બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ઇડીએ તિહાર જેલમાં બંધ સિસોદિયાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે સિસોદિયાનું નિવેદન નોંધવા માટે EDને ત્રણ દિવસનો સમય આપ્યો હતો. EDએ 22 ઓગસ્ટ 2022ના રોજ દારૂના કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.

CBIને પુરાવા ન મળતા EDએ ધરપકડ કરી

આ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, સીબીઆઈએ પહેલા મનીષની ધરપકડ કરી. સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી, દરોડામાં પૈસા મળ્યા નથી. આવતીકાલે જામીન પર સુનાવણી છે. મનીષ કાલે છૂટી ગયો હોત. જેથી આજે EDએ તેની ધરપકડ કરી હતી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય રોજ નવા નવા ખોટા કેસો બનાવીને મનીષને દરેક કિંમતે અંદર રાખવાનો છે. જનતા જોઈ રહી છે અને જનતા તેનો જવાબ આપશે.

સિસોદિયા 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે

સીબીઆઈ મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ દારૂની નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરી ચૂકી છે. આ પછી તે 7 દિવસ સુધી CBI કસ્ટડીમાં રહ્યા હતા. ત્યારબાદ 6 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી તેને તિહાર જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

Back to top button