પાલનપુર: ડીસાના માલગઢમાં ધૂળેટી પર્વ પર યોજાયું પરંપરાગત મારવાડી ‘ગૈરનૃત્ય’
પાલનપુર: આશરે દોઢસો વર્ષ પૂર્વે રાજસ્થાન મારવાડથી ગુજરાત આવીને સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે સાંસ્કૃતિક વારસા તરીકે હોળી અને ધૂળેટી પર્વ પર યોજાતા ગૈર નૃત્યને પ્રવાહિત રાખ્યું છે.તેના ભાગરૂપે ડીસા તાલુકાના માલગઢ ગામમાં જોધપુરીયા ઢાણીમાં ભેરુ ભગવાનના દિવ્ય દરબારમાં સામૂહિક “ગૈર” નૃત્ય વડે ધૂળેટીની પરંપરાગત ઊજવણી કરાઈ હતી.આબાલ વૃદ્ધ સૌકોઈ ગૈર નૃત્યમાં જોડાયા હતા. જેમાં પુરુષો એક હાથમાં એક અથવા બે હાથમાં બે લાકડીના દંડા અર્થાત ગેરીયા લઈને મારવાડી વેશભૂષામાં વર્તુળાકારે ઉત્સાહભેર ડીજે ઢોલ સંગીતના તાલે નૃત્ય કરે છે.
દોઢ દાયકાનો સાંસ્કૃતિક વારસો
એક બે જણ પોતાની મસ્તીમાં ઝૂમતા ઝૂમતા મારવાડી “ફાગ” ગાય છે, અને મહિલાઓ પણ મારવાડી લોકગીત “લૂર” ગાતી ગાતી નાચે છે ! ફાગ,ગૈર અને લૂરનો ત્રિવેણી સંગમ રચાતા ગુજરાતમાં રાજસ્થાની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. ધૂળેટીના પાવન પર્વ પર નવજાત શિશુઓને ઢૂંઢાડવાની વિધિ કરવામાં આવી હતી. માળી સમાજના સુપ્રસિદ્ધ ગાયકોએ સ્વ સૂર પૂરાવીને પ્રસંગને દીપાવ્યો હતો. ગ્રામજનોના સાથ સહકાર અને શ્રેષ્ઠીઓની સખાવત વડે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું.
આ પણ વાંચો :મનીષ સિસોદિયાની પૂછપરછ કરવા ED તિહાડ જેલ પહોંચી