રાજકોટના રીબડા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેને 11 ગૌવંશને હડફેટે લીધા, છના મોત
રાજકોટ જિલ્લાના રિબડા રેલવે સ્ટેશને રુવાંટા ઉભા કરી દેતી ઘટના બની છે. એક સાથે 11 ગૌમાતાઓ ટ્રેન હેઠળ કચડતા 6 ગૌવંશના ઘટના સ્થળે જ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોની ટીમ રેસ્ક્યું અને બચાવ કામગીરી માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી હતી. ધૂળેટીના પાવન પર્વે જ આવી કરુણ ઘટનાથી ગમગીની છવાઈ છે.
5 ગૌવંશને તાત્કાલીક સારવાર આપી બચાવાઈ
જીવદયાપ્રેમીઓ તરફથી મળેલી વિગત મુજબ આજરોજ રાજકોટ જિલ્લાના રીબડા ગામના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે એક સાથે 11 – 11 ગૌમાતાઓ આવી જતા હાહાકાર મચી ગયો છે. જેમાં 6 ગૌ વંશ ત્યાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણ થતા જ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોની ટીમ રેસ્ક્યું અને બચાવ માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી ગઈ હતી. બચી ગયેલા 5 ગૌવંશને તાત્કાલીક સ્થળ પર જ સઘન સારવાર આપી બચાવી લેવામાં આવ્યા અને વધુ સારવાર માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના એનિમલ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો દોડી આવ્યા
હાલ આ પાંચેય ગૌવંશની તબિયત સુધારા પર છે, અને બચી ગયેલ છે. રેલ્વે પ્લેટફોર્મ પર જ ચાર કલાક સુધી બચાવ કાર્ય અને સારવાર કાર્ય ચાલ્યુ રહ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા જ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ઉપર દોડી આવ્યા હતા. જોકે આ દરમિયાન સામાન્ય માણસ જોઈ ન શકે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેન હેઠળ કપાયેલ ગૌ વંશના મૃતદેહો જોઈ ભલભલાના રૂંવાટા ઉભા થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું હતું.