આસામ પોલીસની મોટી સફળતા, પાકિસ્તાની એજન્ટોને સિમકાર્ડ સપ્લાય કરતાં 5ને દબોચ્યા
આસામ પોલીસને આજે મોટી સફળતા મળી છે. પાકિસ્તાની એજન્ટોને સિમ કાર્ડ સપ્લાય કરવાના આરોપમાં આસામ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સ્ત્રોતોમાંથી મળેલા ઈનપુટ્સના આધારે મંગળવારે રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન તેઓની ધરપકડ કરવામાં આવી હતી.
આસામ પોલીસને મોટી સફળતા મળી
જાસૂસીના મામલામાં આસામ પોલીસને મોટી સફળતા મળી છે. આસામના નાગાંવ અને મોરીગાંવ જિલ્લામાંથી કથિત રીતે પાકિસ્તાની એજન્ટોને સિમ કાર્ડ સપ્લાય કરવાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજે આ જાણકારી આપી છે. જેમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશી દૂતાવાસો સાથે સંરક્ષણ માહિતી શેર કરવા માટે ઉપયોગમાં લેવાતા હેન્ડસેટ સહિત ઘણા મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
પાકિસ્તાની એજન્ટોને સિમ કાર્ડ મોકલવાના હતા
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આસામ પોલીસના પ્રવક્તા પ્રશાંત ભુઈયાએ જણાવ્યું હતું કે ઈન્ટેલિજન્સ બ્યુરો અને અન્ય સ્ત્રોતો પાસેથી મળેલા ઈનપુટ્સના આધારે મંગળવારે રાત્રે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. “ઇનપુટ એ હતું કે આ બે જિલ્લાના લગભગ 10 લોકો વિવિધ સેવા પ્રદાતાઓ પાસેથી છેતરપિંડીથી સિમ કાર્ડ મેળવવામાં અને કેટલાક પાકિસ્તાની એજન્ટોને સપ્લાય કરવામાં સામેલ હતા. જેથી રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરુદ્ધ કામ કરનારા પાંચ આરોપીઓની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ પાસેથી આ મુદ્દામાલ જપ્ત કરાયો
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નાગાંવના આશિકુલ ઈસ્લામ, બદરુદ્દીન, મિઝાનુર રહેમાન અને વહિદુજ જમાન અને મોરીગાંવના બહારુલ ઈસ્લામ તરીકે થઈ છે. પકડાયેલા આરોપીઓ અને અન્ય પાંચ ફરાર આરોપીઓના ઘરોમાંથી 18 મોબાઈલ ફોન, 136 સિમ કાર્ડ મળી ણ મળી આવ્યા છે. જે છેતરપિંડીથી ખરીદ્યા હોવાની આશંકા છે. આ સિવાય એક ફિંગરપ્રિન્ટ સ્કેનર, એક હાઇટેક CPU અને જન્મ પ્રમાણપત્ર, પાસબુક અને ફોટોગ્રાફ્સ જેવા અન્ય કેટલાક દસ્તાવેજો પણ પોલીસને મળી આવ્યા છે.
આરોપીઓની સઘન પૂછપરછ ચાલું
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આશિકુલ ઇસ્લામ બે IMEI નંબર ધરાવતા મોબાઇલ હેન્ડસેટનો ઉપયોગ કરતો હતો. જેના કારણે એક વોટ્સએપ કોલ કરવામાં આવ્યો હતો, જે વિદેશી દૂતાવાસ સાથે સંરક્ષણની માહિતી શેર કરી રહ્યો હતો. ભુઈયાએ કહ્યું, “તેના કબજામાંથી ચોક્કસ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પકડાયેલા અન્ય લોકો પણ આ સંબંધમાં ટેકનિકલી સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓની આઇબીના અધિકારીઓ સઘન પૂછપરછ કરી રહ્યા છે.
આ પણ વાંચો : અંબાજીમા ચિક્કીનો પ્રસાદ ખૂટતા હોબાળો, દાતાઓએ મોહનથાળના પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ કર્યું