અમદાવાદને અભેદ્ય કિલ્લેબંધી : ટેસ્ટ મેચમાં બબ્બે દેશના PM અને ખેલાડીઓની સુરક્ષા પડકાર
ક્રિકેટ રસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શ્રેણીનો ચોથો અને અંતિમ મુકાબલો રમાવાનો છે. બન્ને ટીમ આ મેચ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે કાંટે કી ટક્કર સમાન આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સ્ટેડિયમ પર ઉપસ્થિત રહેનાર હોવાથી ક્રિકેટરોની સાથે જ તેમની સુરક્ષા-વ્યવસ્થા માટે પોલીસ તંત્ર દ્વારા અમદાવાદને અભેદ્ય કિલ્લો બનાવી દેવામાં આવ્યો છે.
ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ એક્શનમાં
જાણવા મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે જ અમદાવાદ આવી પહોંચશે. અહીં આવ્યા બાદ તેઓ ગુરૂવારે સવારે 9:30 વાગ્યે શરૂ થનારી મેચમાં ઉપસ્થિત રહેશે. મેચ શરૂ થાય તે પહેલાં ટૉસ વખતે પણ બન્ને દેશના વડાપ્રધાનો હાજર રહે તેવી શક્યતા છે. એક બાજુ અમદાવાદમાં ક્રિકેટરો આવી પહોંચ્યા છે તો બીજી બાજુ બબ્બે દેશના વડાપ્રધાન અહીં ઉપસ્થિત રહેનાર હોવાથી ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ એક્શનમાં આવી ગયા છે અને તેમણે સુરક્ષાને લઈને ફુલપ્રુફ પ્લાન તૈયાર કરી લીધો છે.
હોટેલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત
બીજી બાજુ મેચ દરમિયાન સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોવાથી તમામ લાઈનમાં ચોક્કસ અંતરે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ ઉપરાંત સ્ટેડિયમની બહાર પણ કડક સુરક્ષા બંદોબસ્ત તૈનાત રહેશે. વિદેશથી આવનારા મહાનુભાવો આઈટીસી નર્મદા તેમજ તાજ સ્કાય લાઈનમાં રોકાવાના હોવાથી તે હોટેલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શહેર અને સ્ટેડિયમમાં કેટલું પોલીસ બંદોબસ્ત ?
બન્ને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ડીઆઈજી, 11 ડીસીપી, 20 એસીપી, બાવન પીઆઈ, 112 પીએસઆઈ 2855 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવી જ રીતે મેચના દિવસે સ્ટેડિયમ અને આસપાસના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસના 2300 અધિકારી-કર્મચારી તૈનાત રહેશે. જેમાં જેસીપી, ત્રણ ડીસીપી, નવ એસીપી, 20 પીઆઈ, 21 પીએસઆઈ અને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટેડિયમ આસપાસ વાહન પાર્ક કરવા માટે જ્યાં જગ્યા ફાળવાઈ છે ત્યાં પણ ખાસ બંદોસ્ત ગોઠવી દેવામાં આવશે.
48 કલાક પહેલાથી જ ચેકિંગ
પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મેચ ભલે ગુરૂવારે શરૂ થવાની હોય પરંતુ પેટ્રોલિંગ અને ચેકિંગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્ટેડિયમની અંદર-બહાર પોલીસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે તો સ્થાનિક ગુનેગારોને પણ ‘શાન’માં સમજી જઈ કાંકરીચાળો નહીં કરવા કહી દેવામાં આવ્યું છે.
મોદી એક કલાક સુધી સ્ટેડિયમમાં રોકાણ કરે તેવી શક્યતા
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચમાં એક કલાક સુધી સ્ટેડિયમમાં જ રોકાણ કરે તેવી શક્યતા છે. આ વખતે તેમની સાથે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ હાજર રહેશે. મેચ તેના નિર્ધારિત સમય 9:30 વાગ્યાથી જ શરૂ થશે. આ પહેલાં નવ વાગ્યે ટોસ થશે ત્યારે પણ બન્ને મહાનુભાવો હાજર રહી શકે છે. બીજી બાજુ એવું પહેલીવાર બનશે જ્યારે પોતાના નામના જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહેશે.