હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, જાણો શું છે માન્યતા
રાજ્યમાં હોળીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દરેક પર્વમાં કેટલીક માન્યતાઓ અને રીત-રિવાજો જોડાયેલા છે. હોળીના પર્વમાં પણ એક અનોખી પરંપરા જોવા મળી. રાજ્યના જુદા જુદા ગામોમાં હોળીના દહન પછી અંગારા પર ખુલ્લા પગે ચાલવાની માન્યતા છે. લગભગ 100 વર્ષથી આ પરંપરા ચાલી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેડા, ગાંધીનગર, અને મહેસાણા જિલ્લાના ગામોમાં તેમજ કોડીનારના દેવળી આ પરંપરા જોવા મળે છે. હોળીના દિવસે અંગારા પર ચાલવાથી આખા વર્ષ દરમિયાન કોઈ બિમારી આવતી નથી અને વર્ષ સારુ રહે છે તેવી માન્યતા છે.
ખેડાના પલાણા ગામમાં અંગારા પર ચાલવાની પરંપરા
ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા છે. પલાણા ગામમાં હોલિકા દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ ધગધગતા અંગારા પર ગામના યુવાનો, વડીલો અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે. આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની કોઈને જાણકારી નથી.
પરંતુ અંદાજે 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. અંગારા પર ચાલવાથી સમગ્ર વર્ષ દરમિયાન કોઈ બિમારી આવતી નથી અને વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. પલાણા ગામના લોકોની માતાજીમાં એવી શ્રદ્ધા છે કે અહીં વર્ષોથી અંગારા પર ચાલનાર એક પણ વ્યક્તિને આજદિન સુધી કોઇ ઇજા પહોંચી નથી.
મહેસાણાના લાછડી ગામે અંગારા પર ચાલવાની પરંપરા
મહેસાણા જિલ્લાના વિસનગરના લાછડી ગામે પણ હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. લાછડી ગામમાં હોલિકા દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે. જેના પર ગામના યુવાનો, વડીલો અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે. અહીં પણ અંગારા પર ચાલવાથી કોઈને બિમારી આવતી નથી. વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. લાછડી ગામના લોકોની માતાજીમાં એવી શ્રદ્ધા છે કે અહીં વર્ષોથી અંગારા પર ચાલનાર એક પણ વ્યક્તિ દાઝી નથી.
કોડીનારના દેવળી ગામે અંગારા પર ચાલવાની પરંપરા
કોડીનારના દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા યથાવત છે. ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. અંગારા પર ચાલવાથી કોઈ રોગ થતો નથી તેમજ સુખમય જીવન પસાર થાય છે તેવી માન્યતા છે.
સુરતના સરસ ગામે અંગારા પર ચાલવાની પરંપરા
સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં પણ અંગારા પર ચાલવાની પરંપરા છે. લોકો પોતાની આસ્થા, ભક્તિ અને માન્યતા સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે આજે પણ અનેક લોકો પોતાની પ્રાચીન પરંપરાને અનુસરીને હોળી પર્વની ઉજવણી કરે છે. પાંચ વર્ષના બાળકથી લઇ વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ધગધગતા અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલે છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય તો કોઈ પણ કાર્ય પાર પડે છે, તેમ અહીં ધગધગતા અંગારા પર ચાલ્યા બાદ પણ કોઇ દિવસ કોઇ દાઝ્યુ હોય તેવી ઘટના સામે આવી નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકોને એટલી શ્રદ્ધા છે કે દૂર-દૂરથી લોકો અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં આવે છે.