વધુ એક સ્માર્ટફોન બ્લાસ્ટ, તમે પણ કરી રહ્યા છો આ ભૂલ તો ચેતી જજો !
આજકાલ સ્માર્ટફોનમાં આગ અને બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, મધ્યપ્રદેશના બદનગર તાલુકામાં ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોન બ્લાસ્ટ થવાથી 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વૃદ્ધાના ચીથડે-ચીથડા ઉડી ગયા. ફોન બ્લાસ્ટ થવાનો આ પહેલો બનાવ નથી, આ પહેલા પણ સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે આ બનાવો ખૂબ જ ખતરનાક બની રહ્યા છે, આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. આ રિપોર્ટ દ્વારા અમે તમને એવી કેટલીક ભૂલ બતાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ફોન બ્લાસ્ટ થાય છે. આ દુર્ઘટનાથી બચવા આટલું અવશ્ય કરો.
આ કારણે થાય છે બ્લાસ્ટ
આવી દુર્ઘટના થવાનું કારણ ક્યારેક મેન્યુફેક્ચરિંગ ખામી હોય છે તો ક્યારેક યુઝર્સની બેદરકારી પણ જવાબદાર હોય છે. સામાન્ય રીતે, પાવર સપ્લાયમાં ખામી હોય ત્યારે જ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ અને સ્માર્ટફોનમાં આગ લાગે છે. ઘણી વખત ફોનને ચાર્જ કરવા માટે વધુ પાવરવાળા ચાર્જર કે લોકલ ચાર્જરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે પાવર સપ્લાયમાં પણ ખામી સર્જાય છે અને ફોનની બેટરી બ્લાસ્ટ થવા જેવી સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો : Apple કંપનીની સ્માર્ટ વોચમાં થયો બ્લાસ્ટ, કંપનીએ યુઝરને કોઈને ના જણાવા કહ્યું
ઓરિજિનલ ચાર્જરથી જ ફોન ચાર્જ કરવાનો આગ્રહ રાખવો
જો તમે ફોનને ચાર્જ કરવા માટે લોકલ ચાર્જરનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઇ જાઓ અને તરત જ આવું કરવાનું બંધ કરો. આવું કરવાથી તમારા સ્માર્ટફોનની બેટરી તો બગડે જ છે, પરંતુ બેટરી બ્લાસ્ટ થવાનું પણ જોખમ ઉભું થાય છે. વાસ્તવમાં, લોકલ ચાર્જરમાં પાવર ફ્લો વારંવાર વધુ કે ઓછો થતો હોય છે, જેના કારણે સ્માર્ટફોનની બેટરી પર દબાણ આવે છે અને વધુ પડતા દબાણને કારણે બેટરી ઘણી વખત બ્લાસ્ટ થાય છે. આ કિસ્સામાં, ફોનને ચાર્જ કરવા માટે ફક્ત ફોનના ઓરિજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
આ પણ વાંચો : Jio 5G માત્ર Motorolaના આ સ્માર્ટફોન્સમાં જ ચાલશે
ફોનને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ન થવાદો
ફોનની બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થાય તે પહેલાં તેને ચાર્જિંગ પર મૂકો અને ફોનને 100 ટકા સુધી ચાર્જ કરવાનું ટાળો. એટલે કે, તમારે બેટરી 30 ટકા થાય તે પહેલા જ ફોન ચાર્જ કરી લેવો જોઈએ, કારણ કે જ્યારે બેટરી ઓછી હોય છે, ત્યારે ફોન વધુ પડતો ગરમ થઈ જાય છે, જે બ્લાસ્ટનું કારણ બની શકે છે. તો બીજીબાજુ, ફોનને વધુ ચાર્જ કરવાથી પણ બેટરીની ક્ષમતા પર અસર થાય છે અને બેટરી પર વધુ દબાણ આવે છે. જ્યારે ફોન 95-98 ટકા હોય ત્યારે જ તેને ચાર્જિંગમાંથી કાઢી નાખવો જોઈએ.
ફોન વધુ ગરમ હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળો
સતત ગેમ રમવાથી કે ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ ફોન ખૂબ જ ગરમ થાય છે અને તેની અસર ફોનની બેટરી પર પણ પડે છે. ખરેખર, ગેમિંગ દરમિયાન ફોનનું પ્રોસેસર ઝડપથી કામ કરે છે અને ફોન ખૂબ જ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ફોન બ્લાસ્ટ થવાનું જોખમ વધી જાય છે. જો તમારો ફોન પણ ગેમિંગ દરમિયાન વધારે ગરમ થઈ જાય છે, તો ફોનને થોડા સમય માટે બંધ કરી દેવો તેમજ તરત તેને ચાર્જિંગ પર ન મૂકો.
આ પણ વાંચો : વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન
ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવાનું ટાળો
ચાર્જિંગ દરમિયાન ફોનનો બિલકુલ ઉપયોગ ન કરશો. આવું કરવું જોખમકારક સાબિત થઈ શકે છે તેમજ ફોન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. વાસ્તવમાં, ચાર્જિંગ દરમિયાન સ્માર્ટફોન ઘણો ગરમ થાય છે અને આ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી અચાનક ફોન પર વધારાનું દબાણ આવે છે. આવા સમયે બેટરીમાં વિસ્ફોટ થવાની સંભાવના ઘણી વધારે છે. આમ અહી બતાવેલ ઉપાયો દ્વારા તમારું તેમજ તમારા પરિવારજનોનું જીવન બચાવો.