ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનું ઝૂનુન ઉપડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું છે કે, તેઓ ભારતીય અધિકૃત કાશ્મીરનો મુદ્દો અમેરિકી વિદેશ મંત્રી સહિત વિશ્વભરના દેશો સાથે ઉઠાવી રહ્યા છે. ભારતના પગલાંથી કાશ્મીરની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ભારત મુસ્લિમ બહુમતીને હાંસિયામાં ધકેલી દેવાનો અને ગેરકાયદેસર પગલાં દ્વારા તેમને લઘુમતીમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારત ફાસીવાદી દેશ બની ગયો છેઃ બિલાવલ ભુટ્ટો
બિલાવલે કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતમાં લઘુમતીઓના અત્યાચારની વધતી જતી ઘટનાઓ અને વધતા ઇસ્લામોફોબિયા પર તાત્કાલિક નિયંત્રણ લેવું જોઈએ. ભાજપના નેતાઓના તાજેતરના ઉશ્કેરણીજનક નિવેદનોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, આવા અપમાનજનક અને અત્યંત નિંદનીય નિવેદનોએ વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તાજેતરમાં બનેલી એક ઘટના એ વાતનો પુરાવો છે કે ભારત એક ફાસીવાદી દેશ બની ગયો છે અને હવે તે બિનસાંપ્રદાયિક ભારત નથી, પરંતુ હિન્દુત્વની વિચારધારાથી પ્રભુત્વ ધરાવે છે.
બિલાવલે કહ્યું કે – પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે
બિલાવલે કહ્યું છે કે, પાકિસ્તાન ભારત સાથે શાંતિ ઈચ્છે છે. પરંતુ તેને નવી દિલ્હી તરફથી તર્કસંગત અભિગમની જરૂર છે. ભારતના અતાર્કિક પગલાં શાંતિની જગ્યાને દબાવી રહ્યા છે. દક્ષિણ એશિયામાં શાંતિ કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ સાથે જોડાયેલી છે.