વડોદરાઃ શહેરની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલમાં ઇન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યાં છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં IT વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત સુરતમાં પણ એકાદ ડઝન સ્થળોએ IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના નામાંકિત તબીબ ડો.દર્શન બેંકરને ત્યાં દરોડા પાડ્યાં છે. આ ગ્રુપની વડોદરામાં પાંચ અલગ-અલગ હોસ્પિટલ આવેલી છે. સુરતમાં પણ આ ગ્રુપની હોસ્પિટલ આવેલી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ જમીન અને સોનાની ખરીદીના પગલે IT વિભાગે રેડ પાડી છે. આ ઉપરાંત વાઘોડિયા રોડ પર આવેલી હોસ્પિટલની 18 કરોડની લોન પણ કોરોનામાં ભરપાઈ કરી દીધી હતી. તે મામલે પણ રેડ પડી હોય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા ડો.દર્શન બેંકરના ઘરે પણ IT વિભાગે રેડ પાડી છે અને તપાસ હાથ ધરી છે. દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ IT વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગના 50થી વધુ કર્મચારીઓ આ તપાસમાં જોડાયા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.