ભાવનગરના તગડી ગામ નજીક આવેલી કોલસાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલસાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એકાએક આગ ફાટી નીકળતા ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ ઓલવવા માટે કવાયત હાથ ધરી હતી.
ગઈકાલે મોડી સાંજે ભાવનગર શહેર સ્થિત ફાયરબ્રિગેડ કચેરીએ કોલ આવ્યો હતો કે, ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલ ભાવેશ ધનજી રાઠોડ ની માલિકીની કોલ ફેકટરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે આથી ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.
આ ફેકટરીમાં સૂકાં લાકડા સાથે કોલસાનો મોટો જથ્થો પડ્યો હતો. આ ઉપરાંત વેસ્ટ પ્લાસ્ટિક પણ હોવાથી ગણતરીના સમયમાં આગ વધુ ને વધુ વિકરાળ બની હતી. આ કારણોસર વધુ ફાયર વિભાગની ટીમને બોલાવવાની ફરજ પડી હતી.
આ આગ એટલી વિકરાળ હતી કે બે કિલોમીટર દૂરથી આગના લબકારા સાથે ધૂમાડો જોઈ શકાતો હતો. આ ઘટનાને પગલે મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યાં હતા. આ ઉપરાંત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખીય છે કે, હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.