

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ વકર્યો છે. જેમાં ચીકીનો પ્રસાદ ખૂટતા ભક્તો નારાજ થયા છે. તેમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે. જેમાં આવતીકાલે માઈ ભક્તો કલેક્ટરને આવેદન પાઠવશે તથા મોટી સંખ્યામાં હાજર રહેવા સોશિયલ મીડિયામાં આહવાન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો
મંદિરમાં ચીકીનો પ્રસાદ બંધ થવાની તૈયારીમાં
અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ બંધ થવાની તૈયારીમાં છે. અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ ખુટી પડ્યો છે. ચીકીનો પ્રસાદ આજે સાંજ સુધી ચાલી શકે છે. તથા ચીકીનો પ્રસાદ ભક્તોને ન મળે તેવી શક્યતાઓ છે. મોહનથાળ બાદ ચીકીનો પ્રસાદ ન હોવાથી ભક્તો નારાજ થયા છે. શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માઁ અંબાના ધામ અંબાજી ખાતે મળતો મોહનથાળનો પ્રસાદ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે અને મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે. જો કે છેલ્લા બે દિવસથી આ નિર્ણય કરાતા ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ઠેર ઠેર લોકો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન
ઠેર ઠેર લોકો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. ત્યારે જો આવતીકાલે એટલે કે સોમવાર સુધીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો પાલનપુરમાં હિન્દુ સમાજના અનેક સંગઠનો પાલનપુરમાં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાશે અને તે બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર રજૂઆત કરવાની સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.