ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ટેકાના ભાવે ઉત્પાદકોની ખરીદી અંગે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. જે સંદર્ભે ખરીદી માટેના આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીઓની કૃષિ મંત્રીએ આ બેઠકમાં સમીક્ષા કરી હતી.
ખેડૂત દીઠ 2500 કિ.ગ્રા. ટેકાના ભાવે ખરીદી
તેમણે કહ્યું હતું કે, વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2500 કિ.ગ્રા.એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
ક્યાં પાક માટે કેટલા ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550, ચણા માટે 2,20,175 અને રાયડા માટે 10,164 ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ.6600 પ્રતિ ક્વિ., ચણા માટે રૂ.5335 પ્રતિ ક્વિ. અને રાયડા માટે રૂ.5450 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે 100196, ચણા માટે 388000 અને રાયડા માટે 125300 મેટ્રિક ટન જથ્થો મંજૂર કર્યો છે. આ ઉપરાંત ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યની નોડ્લ એજન્સી તરીકે ગુજકોમાસોલ અને તુવેરની ખરીદી માટે ઈન્ડીએગ્રો કંસોર્ટીયમ પ્રોડ્યુસર કમ્પની લી.ની નિમણુંક કરવામાં આવી છે.