એક નાનો અમથો વિચાર ખૂબ મોટા પરિવર્તનો લાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ છે 23 વર્ષીય પ્રિન્સ પટેલ. પોતાના સ્ટાર્ટઅપ ‘કેસર કાઉ પ્રોડક્ટ્સ’ના માધ્યમથી છેલ્લા 3 વર્ષથી તેઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વૈદિક હોળી કિટનું વેચાણ કરી રહ્યા છે. અને આગામી સમયમાં વધુને વધુ લોકો તેમની સાથે જોડાઈ પ્રકૃતિના જતન અને ગૌસંવર્ધન માટે વૈદિક હોળી કિટનો ઉપયોગ કરે તે માટે અથાક પરિશ્રમ કરી રહ્યા છે. તેમને આ વિચાર ક્યાંથી આવ્યો તેવો સવાલ કરતા પ્રિન્સ પટેલ કહે છે કે, થોડા વર્ષો અગાઉ હોળી-ધુળેટીના તહેવારના સમયે હું એક ગામમાં ગયો હતો અને ત્યાં ગાયના છાણાંમાંથી બનાવેલી હોળી જોઈ. અને મનમાં વિચાર ઝબક્યો કે ગામડાના લોકો ગાયના છાણાંમાંથી બનેલી હોળી પ્રગટાવી પરંપરાગત ઉજવણી કરવાની સાથે લાકડા ન કાપીને પ્રકૃતિનું જતન કરે છે. તો પછી આ અભિગમ શહેરોમાં પણ વિસ્તરે તો? બસ આ જ વિચારમાંથી જન્મ થયો વૈદિક હોળી કિટનો.
આ પણ વાંચો: ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર
લગભગ 80 જેટલી વસ્તુઓનું ઉત્પાદન
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એગ્રીપ્રિન્યોરશીપમાં M.sc કરતા હોવાને કારણે કૃષિ અને પશુપાલનને આધુનિક રીતે વિસ્તારવાનો ધ્યેય રાખતા પ્રિન્સને આ વિચારના સ્વરૂપે એક નવું લક્ષ્ય ઓળખાઈ ગયું. વૈદિક હોળી કિટ બનાવી વેચવાને કારણે શહેરી વિસ્તારોની અનેક સોસાયટીઓમાં લાકડામાંથી બનતી હોળીનું સ્થાન ગોબરમાંથી બનતી વૈદિક હોળીએ લઈ લીધું. આ વૈદિક હોળી કિટમાં શ્રીફળ, કપૂર, ગાયનું ઘી, હોળીના હાર, અબીલ-ગુલાલ-કંકુ, ગોબરમાંથી બનેલા દીવડાં તથા હોળીના પાયામાં, વચ્ચે અને સૌથી ઉપર ગોઠવવા માટે અલગ અલગ સાઈઝ અને આકારના લગભગ 250 કિલો ગોબરના છાણાં આપવામાં આવે છે. આમ, શાસ્ત્રોક્ત હોલિકા દહન માટે ઉપયોગી લગભગ તમામ સામગ્રીનો સમાવેશ આ કિટમાં કરવામાં આવે છે. ગાય આધારિત વિવિધ વસ્તુઓનો ઉપયોગ તેમણે માત્ર હોળી કીટ બનાવવા પૂરતો સીમિત નથી રાખ્યો. આ સિવાયની પણ લગભગ 80 જેટલી વસ્તુઓનું ઉત્પાદન તેઓ કરે છે.
આ પણ વાંચો: સુરત: વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ
વૈદિક હોળી કિટ અને ગાય આધારિત અન્ય વસ્તુઓનું વેચાણ
પ્રિન્સ પટેલનું સ્ટાર્ટઅપ પ્રકૃતિના જતનની સાથે રોજગારીનું સર્જન પણ કરે છે. ગોબર એકત્ર કરવાથી માંડી તેને વિવિધ આકારમાં ઢાળવો મહેનત માગી લે તેવું કામ છે તેમના જણાવ્યા પ્રમાણે આશરે 20 જેટલા લોકોને કામે લગાડી કિટ બનાવવાનું કામ 4 મહિના અગાઉથી જ શરૂ કરી દેવામાં આવે છે. આ કાર્યમાં ગ્રામીણ લોકોને સારી એવી રોજગારી મળે છે. સાથોસાથ ખેતી અને પશુપાલનમાં રસ ધરાવતા અને સ્વૈચ્છિકરૂપે કિટ બનાવવાના કામમાં જોડાવવા માંગતા યુવાનોને પણ સામેલ કરવામાં આવે છે. હાલ તો આ સ્ટાર્ટઅપ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિસ્તર્યું છે. પરંતુ ભવિષ્યમાં વેબસાઈટ બનાવી વૈદિક હોળી કિટ અને ગાય આધારિત અન્ય વસ્તુઓનું વેચાણ સમગ્ર દેશ અને વિદેશમાં પણ કરવાનો પણ આ યુવાનનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને મળી શકે છે આ નવા સાત જજ
ગ્રાહકોને પણ પર્યાવરણનું સંરક્ષણ કરવાની તક મળે
આમ, પ્રકૃતિ જતન, રોજગારીનું સર્જન અને ગૌસંવર્ધનની ત્રિવેણી પહેલ સાથે તૈયાર કરવામાં આવી રહેલી વૈદિક હોળી કિટના ઉપયોગથી હજારો કિલો લાકડું સળગતું અટકી રહ્યું છે અને તેને મેળવવા માટે કપાતા અનેક વૃક્ષ પણ બચી રહ્યા છે. પ્રિન્સ પટેલ અને તેમની ટીમ પાસેથી ખરીદી કરનાર ગ્રાહકોને પણ પર્યાવરણનું સંરક્ષણ કરવાની તક મળે છે.