પાલનપુર : હોળીના પર્વને લઈને ડીસામાં ધાણી ખજૂરના સ્ટોલ લાગ્યા
પાલનપુર : રંગોના પર્વ હોળી ધુળેટીના તહેવાર ના દિવસો નજીક આવી રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર ધાણી અને ખજૂરના સ્ટોલ લાગી ગયા છે. ગત વર્ષ કરતાં ધાણીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે જ્યારે ખજૂર ના ભાવ યથાવત રહ્યા છે.હોળી ધુળેટીનું પર્વ રાજસ્થાનનો મુખ્ય તહેવાર ગણાય છે, ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો અને તેમાં ખાસ કરીને ડીસા શહેરમાં મોટાભાગના સમાજો મારવાડી સંસ્કૃતિ સાથે જોડાયેલા હોઇ ડીસામાં હોળી ધુળેટી નો પર્વ રાજસ્થાનની જેમ મુખ્ય તહેવાર તરીકે ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે ડીસામાં બજારોમાં ઠેર ઠેર ખજૂર અને ધાણીના સ્ટોલ લાગી ગયા છે. જેમ દિવાળીના પર્વમાં મીઠાઈ મુખ્ય વ્યંજન ગણાય છે તેમ હોળી ધુળેટીમાં ખજૂર ધાણી અને હારડા નું ખૂબ જ મહત્વ હોય છે. દરેક પરિવારો હોળી ઉપર ખજૂર અને ધાણીની અવશ્ય ખરીદી કરે છે.
ગત વર્ષ કરતા ધાણીના ભાવમાં ૨૦ ટકાનો વધારો : ખજૂરનો ભાવ યથાવત
આ વર્ષે મકાઈ અને જુવારની ધાણીના ભાવમાં ગત વર્ષ કરતાં 20 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 80 થી 100 રૂપિયા મળતી ધાણી આ વર્ષે રૂ.100 થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાય છે.જ્યારે અરબસ્તાનમાં ખજૂરનો પાક સારો થયો હોવાથી ખજૂરના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી. ખજૂર ગત વર્ષે 70 થી 80 રૂપિયા કિલો હતી ત્યારે આ વર્ષે પણ તેના ભાવ યથાવત રહ્યા છે.આમ હોળી ધુળેટી નો પર્વ રંગોની સાથે સાથે ધાણી અને ખજૂર વગર અધુરુ ગણાય છે આથી હોળી ધૂળના પર્વ પર અનેક પરિવારો ઘાણી ખજૂરનો હંગામી વેપાર કરીને પણ પોતાની આજીવિકા રળી લેતા હોય છે.
આ પણ વાંચો : અમીરગઢ ચેકપોસ્ટ પર ઉત્તર પ્રદેશના ત્રણ ઇસમો બે રિવોલ્વર સાથે ઝડપાયા