મોંઘવારી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ : વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર !
દેશમાં જે રીત મોંઘવારીનો વધારો થઈ રહ્યો છે, તેની સામે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યું છે. જેના પડઘા આજે ગાંધીનગરમાં પણ વિધાનસભા બહાર જોવા મળ્યા છે. વિધાનસભાની બહાર જ કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં ગેસનો બાટલો અને પ્લે કાર્ડ લઈને વિરોધ કર્યો હતો. જેમાં 2014ના સમયમાં UPAના શાસનમાં ગેસના સિલિન્ડરનો ભાવ રૂ.450 અને 2023માં ભાજપના શાસનમાં સિલિન્ડર 1100 રૂપિયાનો દર્શાવાયું છે.
માર્ચ મહિનાની પહેલી તારીખથી જ રાંધણગેસના નવા ભાવ દેશભરમાં અમલી થયા છે. જેમાં ઘરેલું LPGના ભાવમાં રૂ.50 અને કોમર્શિયલ LPGના ભાવમાં રૂ.350નો તોતિંગ વધારો ઝિંકવામાં આવ્યો છે. ત્યારે મોંઘવારીના મારથી પીડાતી પ્રજા માટે આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. આ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર ‘હાય રે મોંઘવારી… હાય, હાય’ના નારા પણ લગાવ્યા હતા.
અમિત ચાવડાએ શું કહ્યું ?
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ‘બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’. 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપી 2014માં દિલ્હીમાં સરકાર બનાવી હતી. આજે 9 વર્ષનો સમય થયો. છતાં મોંઘવારી ઘટનાને બદલે આસમાને છે. ગુજરાતમાં ગ્રોથ એન્જિનની વાતો થતી હોય, ખેડૂતોની આવક બમણી કરવાના વચનો અપાયા હોય, મોંઘવારી ઘટાડવાના સ્વપ્ન બતાવ્યા હોય. તેવી સ્થિતિમાં આજે ખેડૂતોની આર્થિક હાલત ખૂબ નબળી થઈ છે. 50 પૈસા કિલોએ ડુંગળી વેચવા મજબૂર બન્યો છે. રૂ.2 કિલોએ બટાટા, લસણ વેચાય છે. બીજી બાજુ સામાન્ય ગૃહિણી બજારમાં તે ખરીદવા જાય ત્યારે ઊંચી કિંમત ચૂકવવી પડે છે.
આ પણ વાંચો : જુઓ વીડિયો : વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ ગુજરાતમાં આ જગ્યા પર, જાણો શું છે વિશેષતા અને શું છે માન્યતા ?
નોંધનીય છે કે થોડા દિવસમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે તહેવાર ટાણે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. બીજી તરફ RBIએ વ્યાજદરોમાં વધારો કરતા EMIમાં પણ વધારો થયો છે. ત્યારે મોંઘવારીના મારથી ત્રસ્ત જનતા માટે ધારાસભ્યો રસ્તા પર ઉતર્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં એર એમ્બ્યુલન્સની કિંમત 50,000-65,000 રૂપિયા પ્રતિ કલાક !