ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટક: BJP MLAના મકાનમાંથી 6 કરોડ રોકડા ઝડપાયા, પુત્ર 40 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

કર્ણાટકમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપ હાલ રાજ્યમાં સત્તા પર છે અને ફરીથી સત્તામાં આવવા માટે સખત મહેનત કરી રહી છે. પરંતુ ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના એક ધારાસભ્ય પર લાંચ લેવાનો ગંભીર આરોપ છે. ભાજપના ધારાસભ્યનો પુત્ર 40 લાખની લાંચ લેતા અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાયો છે. જે બાદ ધારાસભ્યના આવાસ પર દરોડા પાડીને 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. જે બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે. લાંચ કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્ય કે. મદલ વિરુપક્ષપ્પા કર્ણાટકના ચન્નાગીરી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય છે. વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલ બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટન્ટ છે જેઓ 40 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

આ પણ વાંચો : કર્ણાટકના બેલગાવીમાં PM મોદીનો રોડ શો, શિવમોગા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

ટેન્ડર પ્રક્રિયા પાર પાડવા માટે 80 લાખની લાંચ માંગવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રશાંતે એક ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તેઓ તેમની ઓફિસમાં રૂ. 40 લાખ સ્વીકારતા રંગે હાથ ઝડપાયા હતા. પ્રશાંત બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) ના ચીફ એકાઉન્ટન્ટ છે. પ્રશાંતને ગુરુવારે કર્ણાટકના લોકાયુક્ત અધિકારીઓએ 40 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.

ધારાસભ્યના પુત્રને કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ ચાલુ

પ્રશાંતના પિતા કે. મદલ વિરુપક્ષપ્પા ચન્નાગિરી વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય છે. વિરુપક્ષપ્પા પોતાના વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. તેમના પુત્ર પ્રશાંતને લોકાયુક્ત પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હવે તે દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. તંત્ર ભાજપના ધારાસભ્ય વિરુપક્ષપ્પાની પણ પૂછપરછ કરી શકે છે. કારણ કે આ લાંચ કેસમાં ભાજપના ધારાસભ્યની સંડોવણી સીધી રીતે સામે આવી રહી છે.

ભાજપના ધારાસભ્યની પણ પૂછપરછ કરવામાં આવશે

માહિતી મુજબ, લાંચનો આ કેસ કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડ (KSDL) ને કાચો માલ પૂરો પાડવા માટે ટેન્ડરની ફાળવણીના સંબંધમાં નોંધવામાં આવ્યો હતો. પ્રશાંતના પિતા અને ભાજપના ધારાસભ્ય KSDLના પ્રમુખ છે. કાચા માલની ખરીદી માટેના ટેન્ડર માટે KSDL ચેરમેન પાસેથી લાંચની રકમ લેવામાં આવી હતી.

આ લાંચ કેસ ભાજપ માટે મોટો ફટકો

લાંચની આ ઘટનાને સત્તાધારી ભાજપ માટે ગંભીર આંચકા તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વિપક્ષ કર્ણાટકમાં ભાજપ સરકાર પર 40 ટકા ‘કમિશન’ અને સરકારી ટેન્ડરમાં લાંચ લેવાના મુદ્દે પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકની ભાજપ સરકાર પર લાંચને લઈને ઘણા મોટા આરોપો લગાવી ચૂકી છે.

Back to top button