

ગુજરાતમાં લેવાતી વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આગામી 26 માર્ચના લેવામાં આવનાર જીપીએસસીની મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ – 2ની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા માટેની નવી તારીખ હવે ફરી એકવાર આગામી દિવસોમાં આયોગ દ્વારા તેની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.
કારણ અંગે કોઈ સ્પષ્ટતા નહીં
ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આગામી 26 માર્ચે મદદનીશ ઈજનેર વર્ગ 2 ની પ્રાથમિક કસોટી લેવામાં આવનાર હતી જે આજે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરાઈ છે ત્યારે આ પરીક્ષા ક્યાં કારણોસર રદ્દ કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટતા જણાવવામાં આવી નથી.

અગાઉ અન્ય પરીક્ષાઓ પણ રદ્દ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર રદ્દ થઈ રહી છે અગાઉ કેટલીક પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ તેનું પેપર ફૂટી ગયાનું સામે આવતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી તો પરીક્ષાના પેપરને ગણતરીની કલાકો બાકી હોય ત્યારે પણ તે પેપરલીક થયું છે તેવું જણાવી પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.