પાલનપુર : ડીસામાં મહિલા તબીબને પોતાની હોસ્પિટલમાં સારવાર લેતા મેડીક્લેમ ન મળ્યો
- ખુદ ડોક્ટરે જ મેડીક્લેમ માટે ત્રણ વર્ષ લડવું પડ્યું
- ગ્રાહક સુરક્ષા અદાલતે વીમા કંપનીને મેડીક્લેમ પાસ કરવા હુકમ કર્યો
- ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને ગ્રાહક અદાલતની લપડાક
પાલનપુર : ડીસાના જાણીતા તબીબ દંપતીને કોરોના દરમિયાન પોતાની જ હોસ્પિટલમાં સારવાર લેતા વીમા કંપનીએ મેડીક્લેમ પાસ ન કરતા તબીબ દંપત્તિએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ નોંધાવતા ગ્રાહક અદાલતે વીમા કંપનીને વ્યાજ સહિત મેડીક્લેમની રકમ તેમજ માનસિક ત્રાસના અવેજ પેટે દંડની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ડીસાના પ્રખ્યાત ફિઝિશિયન ડોક્ટર જયેશભાઈ શાહ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીની મેડીક્લેમ વીમા પોલિસી ઘણા વર્ષોથી ધરાવતા હતા. દરમ્યાન વર્ષ 2020 ના અરસામાં તેઓએ વીમા કંપની દ્વારા જણાવેલ પ્રીમિયમ ની રકમ ભરી પોતાના અને પોતાના પરિવારના સભ્યો કે જેમાં ડોક્ટર સારિકાબેન અને તેમના પુત્રી માનસી શાહ અને પુત્ર કરણ શાહનો સમાવેશ કરતી રૂપિયા પાંચ લાખ સુધીના જોખમને આવરી લેતી ન્યૂ ઇન્ડિયા ફ્લોટર મેડિકલ પોલિસી રીન્યુ કરાવી હતી.જ્યારેવર્ષ 2021 ના અરસામાં કે જ્યારે કોરોના પોતાના પીક ઉપર હતો અને દવાખાનાઓમાં ક્યાં જગ્યા નથી તેવા સમયે તેમના પત્ની ડોક્ટર સારિકાબેનને લોહીની કમી અને તાવ અંગેની સમસ્યા થતા ડોક્ટરની સલાહ મુજબ તેમની માનસી હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી.જેમાં તેમણે રૂપિયા 30,693 નો મેડીકલેમ મુકેલો પરંતુ વીમા કંપનીએ પોતાની જ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોવાના કારણે વીમા ક્લેમ મળવા પાત્ર નથી તેવું ગેરવાજબી કારણ જણાવી ગ્રાહકનો વીમા કલેઇમ ના મંજૂર કરી હતી.
જેથી તેમને વીમા કંપનીને રૂબરૂ મુલાકાત લઈ અને સારવાર લેતા પહેલા એજન્ટ શિલ્પાબેન આર. ઠક્કર તેમજ ડેવલપમેન્ટ ઓફિસર સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને બ્રાન્ચ મેનેજર તેમજ ડી. એમ. સી. જી. પંચાલને જણાવી કંપનીમાં ઇમેલ કરેલો હતો.પરંતુ ગ્રાહકની કોઈ જ વાત વીમા કંપનીએ સાંભળેલ નહિ અને અંતે ડોક્ટર સારિકાબેન શાહે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ગ્રાહક ચળવળકાર કિશોર દવે નો રૂબરૂ સંપર્ક કરી લેખિત ફરિયાદ આપી હતી.
જે ફરિયાદના આધારે ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ નંબર 205/2021 દાખલ કરી ધારદાર રજૂઆતો કરતા બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ. બી. પંચાલ અને સભ્ય એમ. એ. સૈયદની જ્યુરીએ આવશ્યક સંજોગોમાં ગ્રાહકે તેમના પતિની હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તો વીમા કંપની ક્લેમ ચૂકવવા જવાબદાર હોવાનું ઠરાવી વીમા કંપનીને સારવાર પાછળ થયેલ ખર્ચના રૂપિયા 30,693 9 ટકાના વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસના રૂપિયા 2500 ચૂકવી આપવા હુકમ કર્યો છે.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં રૂ. 80 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન