પાલનપુર : ડીસામાં રૂ. 80 કરોડના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન
- આગામી 25 વર્ષ સુધી શહેરને પીવાના પાણીની તકલીફ પડશે નહીં
પાલનપુર : ઉનાળાની શરૂઆત સાથેજ પાણીની તંગીનો સામનો કરતા ડીસા શહેર માટે નગરપાલિકાએ 2047 સુધી પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરી દીધો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે 80 કરોડ મંજુર કરી નર્મદાનું પાણી ઘર ઘર પહોંચાડવાનું આયોજન કર્યું છે .
ડીસા નગરપાલિકા વિસ્તાર હાલ છ કિલો મીટર વિસ્તારમાં પથરાઈ ચૂક્યું છે, અને દિનપ્રતિદિન શહેરનો વિકાસ થઈ રહ્યો છે. સાથે જ બનાસનદી પણ સૂકીભટ્ટ થતાં રણ વિસ્તાર વધી રહ્યો છે. અને પાણીના તળ ઉડા જઈ રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલીકા દ્વારા શહેરીજનોને નર્મદાનું પાણી મળી રહે તે માટે સત્તાધારીઓએ સરકાર પાસે વિશેષ આયોજન માટે માંગણી કરી હતી. જે માંગણી ને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર એ અમૃતમ યોજના હેઠળ 64 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. બાકીની રકમ રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા ઉમેરી કુલ 80 કરોડ રૂપિયાના ખર્ચ શહેરીજનોને પાણી આપવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. જેમાં ડીસા-પાટણ હાઇવે અને કાંટ રોડ પર એક એક કરોડ લીટર ના બે પાણીના ટાંકા બનાવવામાં આવશે.જે સમગ્ર ડીસાને પાણી પૂરું પાડશે. આ બન્ને ટાંકા મારફત આખા ડીસાને પાણી સમયસર મળી રહેશે. અત્યારે ડીસા માં 23 MLT પાણી મળે છે. જે આગામી સમયમાં 35 MLT મળતું થશે એટલે કે 2047 સુધીની વસ્તી અને તેની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ યોજના બનાવવામાં આવી છે. એક વર્ષ માં આ યોજના પૂર્ણ થયા બાદ નર્મદાનું પાણી નગરજનોને મળતું થઇ જશે.
આ યોજના અંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર એ જણાવ્યું હતું કે, સરકારે 2047 સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે આયોજન કરી ગ્રાન્ટ આપી છે. અને એક વર્ષમાં નગરજનોને ઘર ઘર સુધી નર્મદાનું પાણી મળતું થઈ જશે તે માટે નગરપાલિકા સહિત સરકાર કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો : પાલનપુર : બટાકામાં મંદી, ડીસામાં કંટાળેલા ખેડૂતે ખેતરમાં બટાકાના પાકમાં કલ્ટીથી ખેડ કરી દીધી