પાલનપુર : બટાકામાં મંદી, ડીસામાં કંટાળેલા ખેડૂતે ખેતરમાં બટાકાના પાકમાં કલ્ટીથી ખેડ કરી દીધી
- ખેતરનો વધુ એક વિડીયો વાયરલ થયો
પાલનપુર : ડીસા પંથકમાં બટાટાના ખેતર નો વધુ એક વિડીયો વાયરલ થયો છે. બટાટામાં ભાવ ન મળતા ગઈકાલે એક ખેડૂતે ખેતરમાં ગાયો ચરાવ્યા બાદ આજે વધુ એક કંટાળેલા ખેડૂતે ખેતરમાં બટાટાના પાકમાં કલ્ટીથી ખેડ કરી દીધી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં આ વર્ષે બટાટા એ ખેડૂતોને રાતા પાણી રોવડાવ્યા છે. બટાટા નીકાળવાની સિઝનમાં જ ભાવ તળિયે બેસી ગયા છે. 20 કિલોએ માંડ 90 થી 100 રૂપિયા જેટલો જ ભાવ મળતા ખેડૂતોને પડતર ભાવમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી બટાટામાં વારંવાર મંદી ના કારણે ખેડૂતોની હાલત આ વર્ષે ખૂબ જ કફોડી બની ગઈ છે. ત્યારે હવે ખેડૂતોએ બટાકામાં થયેલા નુકસાનને વર્ણવતા એક પછી એક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગઈકાલે એક ખેડૂતે ખેતરમાં ગાયોને ચરાવી દીધી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ આજે વધુ એક કંટાળેલા ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા બટાટાના પાકમાં કલ્ટી ફેરવી ખેતર ખેડી દીધું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. અઢી મિનિટના આ વીડિયોમાં એક ખેડૂત બટાટાના ઉભા પાકમાં ટ્રેક્ટરની કલ્ટીથી ખેતર ખેડતો હોવાનું દેખાય છે. ખેડૂત આવા વીડિયો વાયરલ કરી સરકારને પોતાની સ્થિતિ અંગે રજૂઆત કરતો હોય તેમ લાગે છે. ત્યારે સરકારે પણ ખેડૂતોની આ સ્થિતિ અંગે વિચારણા કરી ખેડૂતોને રાહત મળે તે અંગે સહાય કરવી જોઈએ તેમ બટાટા નું વાવેતર કરતા ખેડૂતો નું માનવું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં GST વિભાગમાં મોટાપાયે ફેરફાર, 76 અધીકારીઓની બદલી