આજે જ્યારે એક તરફ રાજ્ય સરકારે વિધેયક લાવીને ગુજરાતી ભાષાને ફરજિયાત ભણવવા માટેની જોગવાઈ ઊભી કરવા માટે જણાવવા પડે છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે કેમ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની જરૂર ઊભી થઈ ? દેશની આઝાદીનો અમૃત મહોત્વ મનાવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય અસતિત્વમાં આવવના પણ 6 દાયકાથી વધુ થયા ત્યારે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા માટે કાયદો કેમ ઘડવો પડ્યો છે ?
ક્યાંથી શરૂ થઈ માંગણી ?
હાલમાં ગુજરાતી ભાષા અંગે જાગૃતત્તા લાવવા માટે શિક્ષણક્ષેત્રે કામ કરતી સંસ્થા ‘માતૃભાષા અભિયાન’ સહિત છ પિટિશનરો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં, ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા 13 એપ્રિલ, 2018ના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે માતૃભાષા ગુજરાતીને વિષય તરીકે ભણાવવા અંગે કરાયેલા પરિપત્રનો અમલ કરાવવા માટે દાદ માગવામાં આવી હતી.
આ પણ વાંચો : આપણી માતૃભાષા ગુજરાતી ફરજિયાત કરવા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર
અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન ઍક્ટ 1947ની જોગવાઈઓ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઈઓ અને રાજ્ય સરકારના શિક્ષણવિભાગે કરેલા 13 એપ્રિલ 2018ના પરિપત્રનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે કોઠારી કમિશનની ‘થ્રી લૅન્ગવેજ ફૉર્મ્યુલા’ મુજબ ગુજરાતની સ્કૂલોમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ભણાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ગત 5 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી બાદ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ દ્વારા પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા ગુજરાતીને અલગ વિષય તરીકે સામેલ કરવાની પોલિસી લાગુ ન કરવા બાબતે ગુજરાત સરકારની પાસેથી સ્પષ્ટતા માગી હતી. જેની સાથે ગુજરાત સરકારને નોટિસ પણ ફટકારી હતી.
આ પણ વાંચો : હાઈકોર્ટની ટકોર બાદ જાગી સરકાર, હવે ગુજરાતમાં ગુજરાતી વગર નહીં ચાલે
ગત 21મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી તે દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલોમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ન ભણાવવામાં આવતી હોવા અંગે માહિતી રજૂ કરાઈ હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ મુદ્દે સોગંદનામું દાખલ કરવા માટે આદેશ કરાયો હતો, સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઈ પણ સંજોગોમાં ગુજરાતી ભણવવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી. જેના પર આખરે આજે 28 ફેબ્રુઆરીના વિધાનસભાએ કાયદો બનાવવો પડ્યો છે.
માતૃભાષા અંગે અન્ય રાજ્યોમાં શું છે જોગવાઈ ?
આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના વકીલ અર્ચિત જાનીએ જણાવ્યું હતું કે, વર્ષ 1964-65ના કોઠારી કમિશનના રિપોર્ટના આધારે વર્ષ 1968માં દેશની પ્રથમ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ અંતર્ગત શાળાકીય શિક્ષણ સંદર્ભે ત્રિભાષા ફોર્મ્યુલાની ભલામણ કરવામાં આવી હતી. આ નીતિ મુજબ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોય છે. ગુજરાત રાજ્યમાં શાળાકીય શિક્ષણમાં પ્રથમ ભાષા તરીકે માતૃભાષા હોવી જોઈએ. તે અંગે ગુજરાત રાજ્ય દ્વારા 2018માં ધોરણ એકથી આઠમાં માતૃભાષા ફરજિયાત ભણવવા અંગે પરિપત્ર કર્યો હતો.
આ પરિપત્રના અમલ અંગે વાત કરતાં વકીલ જાનીએ જણાવ્યું કે, આ પરિપત્રનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. રાજ્યમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટી રહી છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી રહી છે. આ અંગે કરાયેલ જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. રાજ્ય સરકાર દ્વારા દલીલ કરાઈ કે મોટા ભાગની શાળાઓમાં પરિપત્રનો અમલ કરાય છે. ગુજરાત બોર્ડની તમામ શાળાઓમાં આ પરિપત્રનો અમલ કરવામાં આવે છે, પરંતુ અન્ય બોર્ડ ગુજરાત સરકાર અંતર્ગત આવતા નથી.
રાજ્ય સરકારની શું હતી દલીલ
સરકાર તરફથી આ અંગે એવું કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં કેન્દ્રીય વિદ્યાલયમાં ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવામાં આવતી નથી. ICSE બોર્ડમાં ધોરણ- એકથી પાંચમાં ગુજરાતી ભણાવાતી નથી પરંતુ ધોરણ છથી આઠમાં ભણાવવામાં આવે છે. દેશનાં કેટલાંક રાજ્યો જેવાં કે, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાદેશિક ભાષા ફરજિયાત ભણવવા અંગેનો કાયદો બનાવેલો છે. ગુજરાત રાજ્યમાં સરકારે વર્ષ 2018માં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત શીખવવા અંગેનો પરિપત્ર કરેલો છે પરંતુ કાયદો બનાવેલો નથી.
મનોવૈજ્ઞાનિક મહત્વ
આ તરફ મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક બાબતોના નિષ્ણાંત જણાવે છેકે, બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. આ વાત વિશ્વભરના વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ પ્રતિપાદિત કરી છે. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું તે તેમના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકોના ઘડતર માટે માતૃભાષાની ભૂમિકા મહત્ત્વની છે. બાળક માતૃભાષા માતાના ગર્ભમાંથી જ શીખી લે છે. બાળક પોતાની આસપાસ માતૃભાષામાં વાત કરે છે તેમજ સાંભળે છે. બાળક પાસે તેની માતૃભાષાનું શબ્દભંડોળ હોય છે. બીજી ભાષામાં એવું હોતું નથી. જેથી બાળક પરિપક્વ થાય તે બાદ અન્ય ભાષાઓ શીખવવી જોઈએ. અંગ્રેજી ભાષાના મોહને કારણે માતૃભાષાનું શિક્ષણ ઓછું થયું છે. અમે અંગ્રેજી ભાષાના જરાય વિરોધી નથી પરંતુ ગુજરાતી ભાષાની અનિવાર્યતા પર ભાર મૂકવો જોઈએ.