બનાસકાંઠા : ડીસામાં બટાકાના ભાવ તળિયે, મંદીનો માર સહન કરતા ખેડૂતો
- રાજ્ય સરકાર બટાકામાં સબસીડી જાહેર કરે : ખેડુતો
- ડીસાના ધારાસભ્ય એ ટ્રાન્સપોર્ટ સબસીડી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત અનેક તાલુકાઓમાં બટાકાનું વાવેતર હવે થાય છે. પરંતુ આ વર્ષે બટાકાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હોર્ટીકલ્ચર પાક ગણાતા બટાકાનું આ વર્ષે વિક્રમી ઉત્પાદન થયું છે. જેના કારણે બટાકાના ભાવમાં ઐતિહા સિક ઘટાડો થતા તેના ભાવમાં મંદીની ભારે અસર જોવા મળી રહી છે. સતત ત્રણ વર્ષથી એકધારી બટાકામાં મંદી હોવાથી બટાટા પકવતા ખેડૂતોને તેના પોષણક્ષમ ભાવ મળતા નથી. પરિણામે ખેડૂતો દર વર્ષે દેવાના ડુંગર તળે દબાતા જાય છે. જેને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
જેમાં વર્ષ 2015 – 2017 માં બીજા રાજ્યમાં બટાકા મોકલવા માટે ટ્રાન્સપોર્ટમાં સબસીડી આપી સરકારે મદદ કરી હતી. તે રીતે આ વર્ષે પણ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહમાં ભાડામાં અને ગુજરાત બહાર બટાકાનું વેચાણ કરવા ટ્રાન્સપોર્ટમાં સબસીડી આપવા માટેની માગ કરી છે.
ગત વર્ષ કરતાં બટાટાનો ભાવ અડધો થઈ ગયો
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ ખેડૂતોને ગયા વર્ષે સારા મળ્યા હતા. પરંતુ ચાલુ સાલે બટાકાના ભાવમાં શરૂઆતથી જ મંદીનો માહોલ જોવા મળે છે. બટાટામાં ખ્યાતિ બટાટાની જાતના ભાવ જોવા જઈએ તો, ગયા વર્ષે રૂપિયા 200 થી 250 હતો. આ વર્ષે તેના સીધા અડધા ભાવ થઈ ગયા છે, અને રૂપિયા 100 થી 120 નો ભાવ બોલાય છે. જ્યારે બાદશાહ બટાટા 220 થી 260 ના ભાવ હતા.
તેના આ વર્ષે સીધા 120 થી 140 અને પુખરાજ ના ગયા વર્ષે રૂ. 200 થી 220 હતા. તેના ચાલુ સાલે 80 થી 120 રૂપિયા થઈ ગયા છે. આમ ખેડૂતોને બટાટાની બધી જાતોમાં 50% ભાવ મળી રહ્યો છે. જેને લઈને બટાકાનો પાક પકાવતા ખેડૂતોની મૂડી પણ નીકળતી નથી. જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો ખેડૂતો બટાટાના પાકના વાવેતર માટે ઉદાસીન બનશે. પરિણામે આવનારા વર્ષોમાં બટાકાનું વાવેતર ઘટી શકે તેવી સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
બનાસકાંઠામાં ચાલુ સાલે 18% વાવેતર ઘટ્યું
બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પછી નવેમ્બર માસમાં બટાકાનું વાવેર થાય છે. આ પાક ત્રણ માસમાં તૈયાર થાય છે. જેથી તેને રોકડીયો પાક પણ કહેવાય છે.ચાલુ ચાલે જિલ્લામાં કુલ 53,548 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જ્યારે ડીસા તાલુકામાં 30,784 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આમ બટાટામાં 15 થી 18 ટકા જેટલું વાવેતર ઘટ્યું છે.