વર્લ્ડ

કેમ ફૂટબોલના મેદાન પર થયો રમકડાંનો ઢગલો ? જાણો મેચની વચ્ચે દર્શકોએ કેમ કર્યું આવું

Text To Speech

હાલ સોશિયલ મીડિયામાં એક વીડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂટબોલના મેદાનમાં રમકડાનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે. આ વીડીયો વોડાફોન પાર્ક ખાતે રમાઈ રહેલ ફૂટબોલ મેચનો છે.

ફૂટબોલના મેદાનમાં રમકડાંનો વરસાદ

રવિવારે વોડાફોન પાર્ક ખાતે બેસિક્તાસ અને અંતાલ્યાસ્પોર ફૂટબોલ કલબ વચ્ચે મેચ હતી. આ મેચ દરમિયાન 4 મિનિટ અને 17 સેકન્ડ સુધી રમતને રોકવામાં આવી હતી. અને તુર્કીયેની ફૂટબોલ ક્લબ બેસિકટાસના ફેન્સે વિનાશક ભૂકંપથી પ્રભાવિત બાળકોને મદદ કરવા પીચ પર રમકડાનો વરસાદ કર્યો હતો. જે બાદ ખેલાડીઓ અને સ્ટાફ તે રમકડાને એકઠા કરવા પીચ પર દોડી આવ્યા હતા.

બાળકો માટે રમકડા વરસાવી દુનિયાને આપ્યો સંદેશ

6 ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. તુર્કીમાં ભૂકંપની તબાહીમાં 50,000 થી વધુ લોકોના મોત થયા હતા. તેમજ આ વિનાશક ભૂકંપમાં અનેક બાળકો અનાથ થયા છે. જેથી અનેક લોકો તુર્કીની પોતાની રીતે મદદ કરી રહ્યા છે. આ દરમિયાન ઇસ્તંબુલ ફૂટબોલ ક્લબ બેસિકટાસના ચાહકોએ રવિવારે વોડાફોન પાર્કમાં રમકડાં વરસાવ્યાં હતા. મેચની શરૂઆત પહેલા હજારો દર્શકોએ મેદાન પર રમકડાં ફેંક્યા હતા. આમ કરીને દર્શકોએ દુનિયાને સંદેશ આપ્યો કે આ મુશ્કેલ સમયમાં અમે પીડિત પરિવારોના બાળકો સાથે છીએ.

વીડિયો થયો વાયરલ

સ્ટેડિયમમાં હાજર લગભગ 40 હજાર દર્શકોએ મેદાન પર રમકડાં ફેંકવાનું શરૂ કર્યું હતું. આ મેચનું પરિણામ કંઈ નહોતું આવ્યું, પરંતુ લોકોના આ સંદેશે આખી દુનિયાનું દિલ જીતી લીધું. ફૂટબોલ ચાહકો તુર્કીમાં ભૂકંપ પછી ઘરવિહોણા થયેલા બાળકો માટે રમકડાંથી મેદાન ભરી દે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રેમનું આવું સુંદર અને હૃદયસ્પર્શી દ્રશ્યનો વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહયો છે.

આ પણ વાંચો : ચેતવણી રુપ કિસ્સો : સુરતમાં પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

Back to top button