હોળી રમજો, પરંતુ આંખોનું ધ્યાન પણ રાખજો
હોળી રંગોનો તહેવાર છે અને ભારતમાં સૌથી લોકપ્રિય તહેવારોમાનો એક છે. આ દિવસે દરેક બાજુ રોનક અને આનંદમય વાતાવરણ જોવા મળે છે. આજુ બાજુ જ્યાં નજર કરશો ત્યાં લોકોના રંગબેરંગી કપડા અને ગુલાલ લગાવેલા ચહેરા જોવા મળશે. લોકોના વાળ, ચહેરો કપડા બધુ કલરફુલ હશે, પરંતુ જો આ સમયે તમે આંખોનું ધ્યાન નહીં રાખો તો તમારી મજા બગડી શકે છે.
હોળીના દિવસે આંખોનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. નહીં તો હોળીની મજા સજામાં ફેરવાઇ જાય તેવુ પણ બની શકે છે. હોળી બાદ આંખના ડોક્ટર પાસે જનારા લોકોની સંખ્યા વધી જતી હોય છે, તેથી તમારે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. હોળીના કલર્સથી આંખોને બચાવવા માટે આ ટિપ્સ ફોલો કરો
સ્વચ્છ પાણીથી આંખો ધુઓ
હોળી રમતી વખતે આંખોની આસપાસનો રંગ હંમેશા સ્વચ્છ અને પીવાના પાણીથી જ સાફ કરો. આંખોને સાફ કરવા માટે ગુલાબ જળનો ઉપયોગ પણ કરી શકો છો. ગુલાબજળા આંખોમાંથી રંગના કણોને કે જામેલી ધુળને સરસ રીતે સાફ કરી શકે છે. ગુલાબજળમાં એન્ટીસેપ્ટિક ગુણો પણ હોય છે. સાથે તે કેમિકલ્સના પ્રભાવને પણ ઘટાડે છે.
આંખોમાં આઇ ડ્રોપ્સ નાંખો
જ્યારે હોળીનો તહેવાર પુરો થઇ જાય ત્યારે તમારી આંખોને ઠંડા પાણીથી સાફ કરો અને ત્યારબાજ તમારા ડોક્ટરે આપેલા આઇ ડ્રોપ નાંખો. તેનાથી આંખોની ખંજવાળ અને દુખાવામાંથી રાહત મળશે. હોળી રમતા પહેલા અને રમ્યા પછી બે વખત ડ્રોપ્સ નાંખો
ચશ્મા કે સનગ્લાસ પહેરો
એક વાતનો હંમેશા ખ્યાલ રાખો કે જ્યારે કોઇ વ્યક્તિ ચહેરા પર રંગ લગાવવાની કોશિશ કરે ત્યારે હંમેશા પોતાની આંખો બંધ કરી લો. તેનાથી આંખોમાં રંગ જવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત બહાર જતા પહેલા સનગ્લાસ અથવા જો નંબર હોય તો ચશ્મા અવશ્ય પહેરો.