હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ફરી બેવડી ઋતુની અસર, ગરમી સામે હજી રાહત
હજી સુધી એક તરફ ગરમીના આગમનની અસર જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ હોળી સાથે ગરમીનું આગમન થાય છે ત્યારે ફરી રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત અંગે પોતાના અનુમાનમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી ઘટશે. આજથી તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો પારો ઘટે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ગરમી ઘટતી જોવા મળશે. રાજ્યભરમાં આજથી તાપમાન 2થી 4 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 28 ફેબ્રુઆરીથી બે દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ અને ઝાળક પડવાની આગાહી છે. બપોરે તો કાળઝાળ ગરમીનો જ અનુભવ થશે.
આ પણ વાંચો : વડોદરામાં ખાતર ઉપર દિવેલ જેવી સ્થિતિ, હાનિકારક કોનોકાર્પસનું નિકંદન
બીજી તરફ રાજ્યની બહાર હિમાલય વિસ્તારમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે હિમાચલ પ્રદેશની સાથે કાશ્મીરમાં હિમ વર્ષા થતાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થશે. જેથી આગામી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને સમય પહેલા આવેલી કાળઝાળ ગરમીમાંથી રાહત થશે.
હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં દેખાશે. ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં સવારે ભેજનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની સાથે ઝાકળવર્ષા થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 34-35 તાપમાન રહેવાનું છે અને તે ઘટીને 33 ડિગ્રી પણ પહોંચી શકે છે. આ સાથે ગુરુ-શુક્રવાર દરમિયાન ગરમીનો પારો ફરી એકવાર ઊંચો જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, માર્ચથી ગરમીનું જોર વધવાની અને ઉનાળાની શરુઆત થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચાલતી ડબલ ઋતુના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ડુંગળીના બજાર ભાવ અંગે CM ભૂપેન્દ્ર પટેલને પૂર્વમંત્રી જીતુ વાઘાણીએ કરી રજૂઆત