દરેક નવા મહિનાથી ચીજવસ્તુઓમાં ફેરફાર થતા હોય છે. ત્યારે ફેબ્રુઆરીનો મહિનો પુરો થવા જઈ રહ્યો છે અને 1લી માર્ચથી શરુઆતમાં જ સરકાર કેટલાક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર દરેકના ખિસ્સા ઉપર થવાની છે. જેમા આ વખતે 2000ની નોટ, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત અને ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ત્યારે તેનાથી તમારા બજેટ ઉપર શું અસર પડે છે ? તેની પણ ગણતરી કરવી જરૂરી છે.
ઈન્ડીયન બેંકના એટીએમમાંથી હવે રૂ.2000ની નોટ નહીં મળે
સરકાર દ્વારા આગામી દિવસોમાં જે ફેરફાર કરવામાં આવનાર છે તેમાં પ્રથમ મોટો ફેરફાર રૂ.2000ની નોટમાં આવી રહ્યો છે. જેમાં પહેલી માર્ચથી ઈન્ડીયન બેંકના એટીએમમાંથી ગ્રાહકોને 2000ની નોટ નહી મળી શકે. આ માટે ગ્રાહકોએ બેંકમાં જવાનું રહેશે. તેવામાં બેંકે પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં કહ્યુ હતુ કે, ગ્રાહકો એટીએમમાંથી 2000ની નોટ કાઢીને તરત બેંકમાં આવીને તેના છુટા માંગતા હોય છે. જેથી આ પરિસ્થિતિ રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગેસ સિલિન્ડરના ભાવો વધશે !
ઘરમાં સૌથી વધુ જરૂરિયાત ગેસ સિલિન્ડરની રહે છે. ત્યારે રસોઈ બનાવવા માટે ઉપયોગી એવું એલપીજી સિલિન્ડર ખૂબ જ મોંઘું થયું છે. તેલ વિતરણ કંપનીઓ તરફથી દર મહિનાની શરુઆતમાં જ એલપીજી ગેસની કિંમત ફેરફાર કરતા હોય છે. જો કે ગયા મહિને આમા કોઈ ફેરફાર જોવા મળ્યો નહોતો. દરમિયાન હાલના સમયમાં 14.20 કિલોવાળા ઘર વપરાશના ગેસના બાટલાની કિંમત દિલ્હીમાં 1053 રુપિયા, કોલકતામાં 1079 રુપિયા તેમજ મુંબઈમાં રુપિયા 1052.50 અને ચેન્નઈમા 1068.50 રુપિયા છે.
વેકેશન સમયમાં વધુ ભાડા સાથે નવી ટ્રેનો શરૂ થશે
ભારત તહેવારોનો દેશ છે. આગામી માર્ચમાં દેશભરમા હોળીનો તહેવાર ઉજવાશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન અન્ય રાજ્યોમાં પણ ઘણા સ્થાનિક તહેવાર આવી રહ્યા છે. ત્યારે આ હોળી સહિતના તહેવારને ધ્યાનમાં રાખી કેટલીક સ્પેશિયલ ટ્રેનની શરુઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મહાનગરોમાં કામ કરવાવાળા લોકોને સારી સુવિધા મળી રહેશે. રેલવે દ્વારા ખાસ પ્રકારની ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા દિલ્હી, મધ્ય પ્રદેશ, મુંબઈ સહિત કેટલાક રુટમાં આ વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ ઉપરાંત કેટલીક ટ્રેનની શરુઆત 1લી માર્ચથી કરવામાં આવશે. જો કે આ જાહેરાત હજુસુધી સત્તાવાર થઈ નથી કે તેનું લિસ્ટ પણ સામે આવ્યું નથી.