રાજસ્થાનના બાડમેરમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. મૃતકો એક જ પરિવારના છે. તમામ લોકો કાર દ્વારા શોભાયાત્રામાં જોડાઈને લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા.
કારમાં 9 લોકો સવાર હતા ઘટનાસ્થળે 6નાં મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માત ગુડામલાની પોલીસ સ્ટેશનના બાટા ફાંટે પાસે થયો હતો. જાલોરના સેદિયામાં રહેતો એક પરિવાર બાડમેર જિલ્લાના ગુડામલાણી, કાંધી કી ધાની જઈ રહ્યો હતો. કારમાં પરિવારના 9 સભ્યો હતા. દરમિયાન ગુડામલાણી હાઈવે પર બાટા ફાંટે પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર લગભગ ચગદાઈ જ ગઈ હતી. તે જ સમયે ટ્રક પણ આગળ વધીને રોડ પર પલટી મારી ગઈ હતી. અન્ય વાહનોમાં સવાર જાનૈયાઓએ ભારે જહેમત બાદ લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી.
એક જ પરિવારના 8 લોકોનાં મોત
અકસ્માતમાં પૂનમારામ પુત્ર ધીમારામ, પ્રકાશ પુત્ર પેમારામ, મનીષ પુત્ર પૂનારામ, પ્રિન્સ પુત્ર માંગીલાલ, ભગીરથરામ પુત્ર પોકરારામ સહિત છ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.જ્યારે માંગીલાલ પુત્ર નૈનારામ અને બુધરામ પુત્ર કનારામને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલોની સારવાર સાંચોર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.