રાજ્ય સરકારને GST કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી મળ્યું આટલું વળતર
વિધાનસભા ગૃહ ખાતે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશભરના તમામ રાજ્યોનો એક સરખો વિકાસ થાય તે માટે “વન નેશ વન ટેક્સ” તરીકે જી.એસ.ટી. કાયદો અમલમાં આવ્યો હતો. ગૃહમાં જી.એસ.ટી. કાયદા અંતર્ગત મળતા વળતર અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ કહ્યું હતું કે, કોઈપણ રાજ્યની આવકમાં ઘટાડો થાય તો પાયાના વર્ષ 2015-16માં દર વર્ષે 14 ટકાનો ગ્રોથ ઉમેરીને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને વળતર ચૂકવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર તરફથી વળતર પેટે 4219.73 કરોડ મળ્યા
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં ઉદભવેલી કોરોના જેવી મહામારીના કારણે ગુજરાતની આવકનો ઘટાડો થયો હતો. જે અંતર્ગત તારીખ 01-01-2021 થી 30-6-2022 સુધીમાં રાજ્ય સરકારે વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કુલ 30,401.12 કરોડ રકમ લેવાની થાય છે. જેની સામે કેન્દ્ર સરકાર તરફથી તા.24-11-2022ની સ્થિતિએ રૂપિયા 4219.73 કરોડ રકમ વળતર તરીકે મળી છે.
લોન પેટે રૂપિયા 17,045.13 કરોડ મળ્યા
કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 4219.73 કરોડ વળતર પટે જ્યારે બાકીની રકમ સામે લોન પેટે રૂપિયા 17,045.13 કરોડ મળ્યા છે. આ લોનના વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર શેષ ફંડમાંથી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન કેન્દ્ર સરકારની આવકમાં પણ ઘટાડો થયો હોવાથી બાકીની રકમ લોન પેટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વળતર પેટે અને લોન પેટે કેન્દ્ર સરકાર તરફથી મળેલી રકમ ઉપરાંત ઉકત સ્થિતિએ રાજ્ય સરકારને હજુ પણ 9,136.26કરોડની રકમ મળવાની બાકી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ રૂ. 3377કરોડ રકમની ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : હાઈકોર્ટની ટકોર બાદ જાગી સરકાર, હવે ગુજરાતમાં ગુજરાતી વગર નહીં ચાલે