મોડી રાત્રે અમરેલીમાં ફરી ભૂકંપ, 24 કલાકમાં બીજી વાર ધ્રુજી ધરા
એક તરફ તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. તો મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ અંગેની માહિતી મુજબ મોડી રાત્રે 1:42 મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ,વકીયા,સાકરપરા,મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઉપરાંત બપોરે રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં કેન્દ્રબિંદુ નોંધાયુ હતું.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ, ફરી એકવાર લોકોમાં ભય
આ સાથે જ રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની એક અન્ય ટ્વિટ પણ સામે આવી છે. જેમાં જણાવાયું છે કે અફઘાનિસ્તાનના ફયઝાબાદથી 117 કિ.મી. દક્ષિણે 4.3ની તીવ્રતાનો ભૂકંપ ત્યાંના સ્થાનિક સમય બપોરે 3.29 વાગ્યે નોંધાયો હતો. જે જમીનમાં 98 કિ.મી.ની ઊંડાઈએ હતો. અલબત્ત અફઘાનિસ્તાન કે ગુજરાતમાં હજુ સુધી ક્યાંય પણ ભૂકંપ અનુભવાયાના કે પછી તેને પગલે કોઈ નુક્સાન-જાનહાનિ થઈ નથી.