અમદાવાદમાં 11 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાંથી રખડતા કૂતરાંની 6248 અને રખડતા ઢોરની 3150 ફરિયાદ મ્યુનિ.ના સી.એન.સી.ડી.વિભાગને મળી છે. બીજી તરફ વર્ષ-2022ના એક વર્ષમાં શહેરના 59,513 લોકોને વિવિધ પ્રાણીઓ કરડયા હોવાનુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલુ છે.
નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ
અમદાવાદના નાગરિકો જાહેર રસ્તાઓ ઉપર રખડતા પશુઓને લઈ ત્રાહીમામ બની ગયા છે. રોડ ઉપર રખડતા પશુઓની અડફેટે આવતા પશુઓના કારણે લોકોના મોત થઈ રહયા છે. આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રના અધિકારીઓ કે સત્તાધીશો તમાશો જોઈ રહયા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર રખડતા પશુને અંકુશમાં લેવા જાહેરહીતની અરજી કરવામાં આવી છે.આ અરજીની સુનવણી બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરીજનોને રખડતા પશુઓના ત્રાસમાંથી મુકત કરાવવા કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો.
સત્તાધીશોની પણ રખડતા પશુઓને પકડવા અંગે નબળી કામગીરી
અમદાવાદના પૂર્વ અને અન્ય વિસ્તારોમાં રખડતા પશુઓએ નાગરિકોને અડફેટે લીધા બાદ જે તે વિસ્તારના નાગરિકના હોસ્પિટલમાં સારવાર સમયે મોત થવાના કિસ્સામાં પણ છેલ્લા થોડા સમયમાં વધારો થવા પામ્યો છે. આમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકો જેમને વર્ષ-2005થી ભારે બહુમતી સાથે ચૂંટીને સત્તાસ્થાને બેસાડી રહયા છે એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પણ રખડતા પશુઓને પકડવા અંગે નબળી કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
શહેરમાં ઝોન દીઠ ત્રણ એમ કુલ એકવીસ ટીમને ત્રણ શિફટમાં કામ
હાઈકોર્ટના આદેશ બાદ તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓગસ્ટ-2022માં રખડતા પશુઓને પકડવા માટે એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો.એ સમયના મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ઝોન દીઠ ત્રણ એમ કુલ એકવીસ ટીમને ત્રણ શિફટમાં શહેરના વિવિધ વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપરથી રખડતા પશુ પકડવાની કામગીરી માટે ફરજ સોંપી હતી. બાદમાં મ્યુનિસિપલ કમિશનર બદલાતા હાલના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને પણ સી.એન.સી.ડી.વિભાગના અધિકારીઓને શહેરમાંથી રખડતા પશુ પકડવા માટે મેનપાવર આપવા ઉપરાંત એસ.આર.પી.જવાન સાથેનો સુરક્ષા બંદોબસ્ત પણ પુરો પાડયો છે.