ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: મુખ્યમંત્રીએ આ શહેરોની 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં આંતર માળખાકીય સુવિધાઓ વિસ્તારને ઈઝ ઓફ લિવિંગ વૃદ્ધિથી માનવ વિકાસ સૂચકાંક સુધારવાની દિશામાં વધુ એક કદમ ભર્યું છે. રાજ્યના આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર અમદાવાદ શહેરની ૯ તથા ભાવનગર અને સુરત મહાનગરની એક એક એમ કુલ ૧૧ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટીપી ૧૩૮/એ રૂપાવટી તથા ૧૩૮/બી રૂપાવટી-વાસોદરાને તેમણે મંજૂરી આપી છે.

નબળા વર્ગના લોકો માટે EWS આવાસ નિર્માણ કરવામાં આવશે

મુખ્યમંત્રી આ ઉપરાંત અમદાવાદની સાત પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સાત પ્રિલિમિનરી ટી.પી.માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કીમ ૯૨/બી સરખેજ -ઓકફ, ૧૦૫ વસ્ત્રાલ, ૭૩ વિંઝોલ, ૧૧૪ વસ્ત્રાલ-રામોલ, ૯૩/સી ગ્યાસપુર- વેજલપુર, ૬૫ સૈજપુર-બોઘા તેમજ ૬૬ સૈજપુર-બોઘા ઇસ્ટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આપેલી આ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરીના પરિણામે અમદાવાદમાં ૨૬.૬૦ ફેક્ટર્સ જમીન આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસ નિર્માણ માટે મળશે. આવા કુલ ૨૩,૭૩૩ આવાસોનું નિર્માણ કરાશે.

ઇસ્ટમાં ૧.૩ હેક્ટર્સ ૧૧૦૦ EWS આવાસ માટે સંપ્રાપ્ત થશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ, ૧૩૮/ એ રૂપાવટી તેમજ ૧૩૮/બી રૂપાવટી-વસોદરામાં કુલ ૧૦.૩૬ હેક્ટર જમીન ૯૩૦૦ આવાસો બનાવવા માટે ઉપલબ્ધ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલિમિનરી ટીપી મુખ્યમંત્રીએ મંજૂર કરી છે તેના પરિણામે સ્કીમ ૯૨/બી સરખેજ -ઓકફમાં ૧.૩૭ હેક્ટર્સ ૧૨૦૦ EWS આવાસ માટે, સ્કીમ ૧૦૫-વસ્ત્રાલમાં ૩.૩૩ હેક્ટર્સ ૨૯૯૦ EWS આવાસ માટે, સ્કીમ ૭૩- વિંઝોલમાં ૩.૨૬ હેક્ટર્સ ૨૯૦૦ EWS આવાસ માટે, સ્કીમ ૧૧૪ વસ્ત્રાલ-રામોલમાં ૬.૭૧ હેક્ટર્સ ૬૦૦૦ EWS આવાસ માટે, સ્કીમ ૬૫ સૈજપુર-બોઘામાં ૦.૨૭ હેક્ટર્સ ૨૪૩ EWS આવાસ માટે અને સ્કીમ ૬૬ સૈજપુર-બોઘા ઇસ્ટમાં ૧.૩ હેક્ટર્સ ૧૧૦૦ EWS આવાસ માટે સંપ્રાપ્ત થશે.

અમદાવાદમાં કુલ ૮૯.૯૫ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે

મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના કારણે આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અમદાવાદમાં કુલ ૮૯.૯૫ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઈ શકશે. તદ્દઅનુસાર ઔડાની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ ૧૩૮/એ રૂપાવટીમાં ૨૬.૬ હેક્ટર્સ, ૧૩૮/બી રૂપાવટી- વસોદરામાં ૧૪.૬૯ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પ્રિલિમિનરી ટીપી સ્કીમ ૯૨/બી સરખેજમાં ૧.૬૨ હેક્ટર્સ, ૧૦૫ વસ્ત્રાલમાં ૧૦.૦૯ હેક્ટર્સ, ૭૩ વિંઝોલમાં ૬.૪૫, ૧૧૪ વસ્ત્રાલ- રામોલમાં ૨૪.૪૭ હેક્ટર્સ, સ્કીમ-૬૫ સૈજપુર બોઘામાં ૧.૫૨ હેક્ટર્સ અને સ્કીમ ૬૬ સૈજપુર -બોઘ ઇસ્ટમાં ૪.૫૧ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી ૩.૭૪ હેક્ટર્સમાં ૩૩૦૦ EWS મકાનો બની શકશે

અમદાવાદની બે ડ્રાફ્ટ ટી.પી. અને સાત પ્રિલિમિનરી સ્કીમ એમ કુલ ૯ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બાગ-બગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા ૨૫.૦૫ હેક્ટર તથા જાહેર સુવિધા માટે કુલ ૨૦.૭૩ હેક્ટર જમીન મળશે. મુખ્યમંત્રીએ સુરતની પ્રિલિમિનરી ટી.પી. ૫૭- પાંડેસરાને આપેલી મંજૂરીના કારણે EWS આવાસ, જાહેર સુવિધા તથા રમતગમતના મેદાન, બાગ-બગીચા અને આંતરમાળખાકીય સુવિધા ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુ માટે એમ કુલ ૩.૪૮ હેક્ટરર્સ જમીન સંપપ્રાપ્ત થશે. સુરતમાં ૦.૬૩ હેક્ટરર્સ જમીન પર ૫૬૭ આવાસ આ સ્કીમમાં નિર્માણ પામશે. ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ-૩૨ શામપરા -સીદસર પણ શ્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. ભાવનગરમાં આ સ્કીમ મંજૂર થવાથી ૩.૭૪ હેક્ટર્સમાં ૩૩૦૦ EWS મકાનો બની શકશે. એટલું જ નહીં, આંતરમાળખાકીય સવલતોના વિકાસ ખર્ચને પહોંચી વળવા વેચાણ હેતુસર અંદાજે ૪.૫૪ હેક્ટર્સ જમીન સહિત સમગ્રતયા ૧૬.૯૨ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ અને સુવિધાપૂર્ણ શહેરી વિકાસની નેમ સાથે ટી.પી. ડી.પી.ને મંજૂરી આપવાના આ અભિગમ અપનાવીને ઝડપી સમુચિત વિકાસની નવી દિશા કંડારી છે.

Back to top button