અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

Happy Birthday Ahemdabad : અમદાવાદનો આજે 613મો જન્મદિવસ, જાણો પોળોનું શહેર હવે કેવી રીતે છે પ્રખ્યાત

આજે અમદાવાદનો 613મો સ્થાપના દિવસ છે. અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલસામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં સોલંકીનું રાજ 13મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને ‘અમદાવાદ’ તરીકે ઓળખાવા લાગ્યું.

એક દંતકથા પણ પ્રચલિત છે…..

અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો (1.20 બપોરે, ગુરૂવાર, ધુ અલ-કિદાહ, હિજરી વર્ષ 813). તેણે નવી રાજધાની 4 માર્ચ 1411ના રોજ નક્કી કરી હતી. આ માટે એક દંતકથા પણ જાણીતી છે. જે અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા.

અમદાવાદ ફરતે 12 દરવાજા અને 189 બુરજો બનાવી

ઈ.સ. 1487માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએઅ મદાવાદની ચોતરફ 10 કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે. ઈ.સ.1553માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું.

અમદાવાદથી યુરોપ કાપડ મોકલાતું

મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું. જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ 1758 સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું. મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.

અમદાવાદ ‘પૂર્વનું માંચેસ્ટર’ પણ કહેવાતું

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ ‘પૂર્વનું માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે 1960થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

જૂનું અમદાવાદ અત્યંત ગીચ

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

સાબરમતીને એક નવું રૂપરંગ અપાયું

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી છે જેનાથી શહેરની રોનક બદલાઇ છે. હાલમાં 10.04 કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યો છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. 2009માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે.

atal bridge

આજે અટલબ્રિજથી વિશ્વમાં ઓળખ થઈ

એક સમયે પોળો અને દરવાજાથી જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે સિદી સૈયદની જાળી અને કાંકરિયા તળાવ અમદાવાદની ઓળખ હતા, આજે અટલ બ્રિજ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે તે અમદાવાદનું નવું લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માનચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદમાં આજે મોલ કલ્ચર ફેલાઈ ગયું છે. બહારથી લોકો એએમટીએસની લાલ બસનો અભ્યાસ કરવા આવતા હતા. લક્કડિયો પુલ પણ એક સમયે અમદાવાદની ઓળખ ગણાતો હતો, આજે આ ઓળખ નામશેષ થઈ ગઈ છે.

narendra modi stadium - Hum Dekhenge News
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
Back to top button