પાલનપુર : ભીલડી માર્કેટ યાર્ડના બે વેપારીને ચેક રિટર્ન કેસમાં છ માસની કેદ
- ભીલડી નાગરિક શરાફી મંડળી માંથી લોન લઈ પૈસા પરત ચૂકવ્યા ન હતા
પાલનપુર : ડીસા તાલુકાના ભીલડી માર્કેટયાર્ડના બે વેપારીઓએ ભીલડી નાગરિક શરાફી મંડળીની લોન લઈ નાણા પરત ન ચૂકવતા ડીસા કોર્ટે બંને વેપારીઓને ચેક રીટર્ન કેસમાં છ માસની સજા નો હુકમ કર્યો હતો. કોર્ટના આદેશથી મંડળીના અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ડીસા તાલુકાના વેપારી મથક ભીલડી ખાતે આવેલા મોરારજી દેસાઈ માર્કેટયાર્ડમાં પેઢી ધરાવતા ભરતકુમાર ઈશ્વરલાલ ઠક્કર અને જીતેન્દ્રકુમાર ત્રિભોવનદાસ ઠક્કરે પોતાના ધંધા સારું ભીલડીમાં આવેલી ધી ભીલડી નાગરિક શરાફી સહકારી મંડળી લી. માંથી લોન લીધેલી હતી. જેના અવેજ પેટે બંને વેપારીઓએ શરાફી મંડળીને ચેક આપેલા હતા. જોકે બંને વેપારીઓ સમયસર નાણા ન ચૂકવતા મંડળી દ્વારા તેઓને અનેક નોટીશો પાઠવવામાં આવી હતી. તેમ છતાં બંને વેપારીઓએ મંડળીનું ઋણ ન ચૂકવતા મંડળીના મેનેજર અશોકભાઈ ભેમાભાઈ પટેલે બંને વિરુદ્ધ ચેક રીટર્ન ની ફરિયાદ કરી હતી.
જે બંને કેસ ડીસાની ત્રીજા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ. એચ. વિશ્ર્નોઈએ બંને વેપારીઓને ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુનામાં તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. તેમજ બંને વેપારીઓએ ચેકની રકમ 60 દિવસમાં ચૂકવી દેવા અને જો ચેક ની રકમ ન ચૂકવે તો એક માસની વધુ સાદી કેદનો ભોગવવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : રોટરી ક્લબ ડિવાઈન દ્વારા આંખોની તપાસ કરાઇ