અમદાવાદમાં AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાંની વસૂલાત માટેની ઝુંબેશના ભાગરૂપે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫,૦૮૯ મિલ્કત સહિત શહેરમાં કુલ ૮,૭૦૪ મિલ્કત સીલ કરવામાં આવી છે અને ઈતિહાસમાં પહેલીવાર પૂર્વ ઝોનમાં ખુશી આર્કેડ, નિકોલમાં વીજળી જોડાણ કાપવામાં આવ્યા છે અને BSNLના રૂ. ૫.૯૦ કરોડ સહિત રૂ. ૨૫ કરોડની વસૂલાત થઈ છે.
૧૦ દિવસમાં રૂ. ૧૦૦ કરોડનો બાકી ટેક્સ વસૂલ કરાયો
છેલ્લાં ૧૦ દિવસમાં રૂ. ૧૦૦ કરોડનો બાકી ટેક્સ વસૂલ કરાયો છે. મ્યુનિ. દ્વારા જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ ૧૦૦ ટકા વ્યાજ માફીની રીબેટ સ્કીમ અમલમાં મૂકવા સાથે બાકીદારોની મિલ્કતો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫,૦૮૯ મિલ્કત સીલ કરાઈ છે. જેમાં સુમેરૂ કોમ્પ્લેક્સ, દેવ કોમ્પ્લેક્સ, મહાવીર કોમ્પ્લેક્સ, મંગલ કોમ્પ્લેક્સ, સહજાનંદ કોમ્પ્લેક્સ, સિલીકોન ટાવર, વગેરેનો સમાવેશ થાય છે.
ન્યુયોર્ક પ્લાઝા, શાયોના સિટી, હારમની આઈકોનમાં મિલ્કતો સીલ
મધ્ય ઝોનમાં માધુપુરા, રાયપુર, ભદ્ર, કાલુપુર, ન્યુ ક્લોથ માર્કેટ, વગેરેમાં ૫૧૯, ઉત્તર ઝોનમાં અરવિંદ એસ્ટેટ, ચિરાગ એસ્ટે, શાયોના આર્કેડ, વગેરેમાં ૩૫૬, દક્ષિણ ઝોનમાં રાજીવનગર, નારાણા આર્કેડ, વિજય સોસા., શ્રીજી બેગ, રામવાડી, વગેરેમાં ૧૦૦૫, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ક્રિશ્ના કોમ્પ્લેક્સ, ન્યુયોર્ક કોર્નર, ન્યુયોર્ક પ્લાઝા, શાયોના સિટી, હારમની આઈકોન, વગેરેમાં ૬૯૨, અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં ગેમ ટાવર, દેવ ઓરમ, સાગર એસ્ટેટ સિગ્નેચર કોમ્પ્લેક્સ, ગ્રીન પ્લાઝામાં ૫૦૦ મિલ્કત સીલ કરાઈ છે.