જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં આ દર્દિઓ માટે આધુનિક વેલનેશ સેન્ટર નિર્માણ થશે
જુનાગઢ સિવિલમાં 10 બેડનું આધુનિક થેલેસેમિયા વેલનેશ સેન્ટર નિર્માણ થશે. જેમાં RAF ગ્લોબલ સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલ સાથે MOU કર્યું છે. તેમજ 20 બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટેન્ડ, એસી, ટીવી સાથે ગેમ ઝોન બનાવશે.
ભારતની 1.38 કરોડની વસ્તીના પ્રમાણમાં 3.50 કરોડ કરતા વધુ લોકોને થેલેસેમિયા થાય છે
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની સારવાર માટે આવતા બાળકો માટે વિશ્વની ખ્યાતનામ એવી આરએએફ ગ્લોબલ નામની સંસ્થા દ્વારા આધુનિક થેલેસેમિયા વેલનેશ સેન્ટર શરુ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. આરએએફ ગ્લોબલ સંસ્થાના સી.ઈ.ઓ. સુજીત સરકારે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં બીટા થેલેસેમિયાના કરોડો દર્દીઓ છે, અને ભારતની 1.38 કરોડની વસ્તીના પ્રમાણમાં 3.50 કરોડ કરતા વધુ લોકોને થેલેસેમિયા થાય છે, અને દર વર્ષે 8 થી 10 થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ જન્મે છે. ત્યારે કુમળા બાળકો વધુ ભોગ બને છે, તે માટે દેશમાં સૌ પ્રથમ જુનાગઢ શહેરમાં સિવિલ હોસ્પિટલની અંદર બાળકોને ખુશનુમા વાતાવરણ અને સારી સારવાર મળે તે માટે તેમની સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિ. ડો.નયનાબેન લકુમ સાથે એક ખાસ એમઓયુ કરવામાં આવ્યા છે.
જુનાગઢ સિવિલમાં દર મહીને 250 બાળકો આવે છે
સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.નયનાબેન લકુમએ જણાવ્યું હતું કે, હાલ સિવિલમાં દર મહીને 250 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો બ્લડ ચડાવવા માટે આવે છે, જેમાં દુર દુરથી એટલે કોડીનાર, ઉનાથી આવતા પરિવારના બાળકોને બ્લડ ચડાવ્યા બાદ અહી ઓબ્ઝવેશનમાં રાખવામાં આવે છે, અને આખો દિવસ નીકળી જાય છે, જેથી બાળક થાકી ન જાય અને ખુશનુમા વાતાવરણમાં રહે તે માટે નવું થેલેસેમિયા વેલનેશ સેન્ટર બનશે.
આગામી 6 મહિનામાં કાર્યરત કરી લેવામાં આવશે
જેમાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મોર્ડન પ્રકારનું એક ખાસ સુવિધાસભર થેલેસેમિયા વેલનેશ સેન્ટર શરુ કરવામાં આવશે, જે આગામી 6 મહિનામાં કાર્યરત કરી લેવામાં આવશે, જે સેન્ટરમાં એક આધુનિક રીસેપ્શન, અંદર 10 બેડની સુવિધા સાથે 20 બ્લડ ટ્રાન્સફ્યુઝન સ્ટેન્ડ, એસી, ટીવી સાથે ગેમ ઝોન અને પેઇન્ટિંગ કરવામાં આવશે. જેના પરિણામે બાળકોને સારું વાતાવરણ મળી રહે.
ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો
અગાઉ કોરોના કાળમાં પણ સંસ્થા દ્વારા અહી એમઓયુ કરીને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. હાલ થેલેસેમિયા વેલનેશ સેન્ટર શરુ કરવા માટે જૂનાગઢ શહેરની પહેલી પસંદગી કરવામાં આવી છે, ત્યાર બાદ પોરબંદર અને રાજસ્થાનમાં પણ સેન્ટર શરુ કરવામાં આવશે, આ સંસ્થા ૨૦૧૫ થી કાર્યરત છે, અને સેવાકીય પ્રવૃત્તિથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં અનેકવિધ કામગીરી કરી રહી છે.