ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બેંકના આગામી પ્રમુખ બની શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અજય બંગાને વિશ્વ બેંકના નેતૃત્વ માટે નોમિનેટ કર્યા છે. તમને જણાવી દઈએ કે અજય બંગા માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ગુરુવારે આની જાહેરાત કરી હતી. હાલમાં, વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસ છે. દાવા માટે 29 માર્ચ સુધી ચાલનારી પ્રક્રિયામાં ઉમેદવારોના નામાંકન સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે. વિશ્વ બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે વિશ્વ બેંકના પ્રમુખ માટે મહિલા ઉમેદવારોને જોરદાર રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે. વિશ્વ બેંકના પ્રમુખ સામાન્ય રીતે અમેરિકન હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના પ્રમુખ પરંપરાગત રીતે યુરોપિયન હોય છે.63 વર્ષીય બંગા, ભારતીય-અમેરિકન છે અને હાલમાં ઇક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ પહેલા તેઓ માસ્ટરકાર્ડમાં ચીફ એક્ઝિક્યુટિવ હતા. વૈશ્વિક પડકારોની સાથે સાથે ક્લાઈમેટ ચેન્જના પડકારને લઈને પણ સારો અનુભવ છે. સીઈઓ બનતા પહેલા અજય બંગા માસ્ટરકાર્ડમાં વિવિધ હોદ્દા પર હતા. આ પહેલા તેઓ અમેરિકન રેડ ક્રોસ, ક્રાફ્ટ ફૂડ્સ અને ડાઉ ઇન્ક સાથે કામ કરી ચૂક્યા છે. અજય બંગાને નોમિનેટ કર્યા પછી, બિડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંગાને આબોહવા પરિવર્તન સહિત આપણા સમયના સૌથી તાકીદના પડકારોનો સામનો કરવા માટે જાહેર-ખાનગી સંસાધનોને એકત્રીત કરવાનો નોંધપાત્ર અનુભવ છે.વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસ તેમનો કાર્યકાળ પૂરો થવાના એક વર્ષ પહેલા જ પદ છોડી દેશે. માલપાસને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે, વિશ્વ બેંકના વર્તમાન પ્રમુખ માલપાસે જાહેરાત કરી હતી કે તેઓ જૂનમાં પદ છોડશે. તેમનો કાર્યકાળ મૂળ 2024માં પૂરો થવાનો હતો. વિશ્વ બેંક 189 દેશોનું નેતૃત્વ કરે છે જેનો ઉદ્દેશ્ય ગરીબી દૂર કરવાનો છે.