પાકિસ્તાનના ગૃહમંત્રીએ જણાવ્યું, ઈમરાન ખાનની ક્યારે અને કેવી રીતે ધરપકડ થશે?
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની રાજનીતિમાં ઉથલપાથલનો કાળ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સત્તા બહાર થતાની સાથે જ ઇમરાને શાહબાઝ શરીફની નવી સરકાર સામે મોરચો માંડી દીધો છે અને સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. દરમિયાન ઘણા સમયથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હવે પાકિસ્તાનના ગૃહમંત્રીએ પોતે જણાવ્યું છે કે, ઈમરાન ખાનની ક્યારે અને કેવી રીતે ધરપકડ થઈ શકે છે.
પાકિસ્તાનના વર્તમાન ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે, ઈમરાન ખાનને 2 જૂનના રોજ ત્રણ અઠવાડિયાની ટ્રાન્ઝિટ જામીન આપવામાં આવી હતી. તેની જામીન 23મીએ પૂરી થઈ રહી છે, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવશે. ડોને તેના એક અહેવાલમાં રાણા સનાઉલ્લાહને ટાંકીને કહ્યું છે કે, ઈમરાન વિરુદ્ધ રમખાણો, રાજદ્રોહ, અરાજકતા ફેલાવવાના મામલામાં બે ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
સનાઉલ્લાહે એ પણ માહિતી આપી હતી કે, ઈમરાન ખાનના બાની ગાલા આવાસની બહાર તૈનાત સુરક્ષા અધિકારીઓ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા રક્ષણાત્મક જામીનની મુદત પૂરી થયા પછી તેની ધરપકડ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, લોકશાહી સમાજમાં કોઈ વ્યક્તિ રાજકીય પક્ષનો વડા કેવી રીતે બની શકે, જે લોકોને ઉશ્કેરે અને જેણે પોતાના વિરોધીઓને રાષ્ટ્રવિરોધી કહીને નૈતિક અને લોકતાંત્રિક મૂલ્યોનો ત્યાગ કર્યો હોય.
જોકે, ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ ઈમરાન ખાનનું ઈસ્લામાબાદમાં સ્વાગત કરે છે. તેમને કાયદા મુજબ સુરક્ષા આપવામાં આવી રહી છે. દરમિયાન શનિવારે મોડી રાત્રે, ઇસ્લામાબાદ પોલીસે કહ્યું હતું કે, ઇમરાન ખાન પેશાવરથી ઇસ્લામાબાદ પરત ફરે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને બાની ગાલાના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ સાથે જ અગાઉ ઈમરાનની હત્યા થઈ હોવાની પણ આશંકા હતી. ઈમરાનની હત્યાના કાવતરાની અફવાઓ વચ્ચે ઈસ્લામાબાદ પોલીસ વિભાગે શનિવારે રાત્રે જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓને શહેરની બાજુમાં આવેલા બાની ગાલામાં હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે, શહેરમાં પહેલાથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.