DaniData App:‘એક કા ડબલ’ની લાલચમાં લોકો લૂંટાયા
‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ ગુજરાતી ભાષાની આ કહેવત સાચી સાબિત થઈ છે બનાસકાંઠા જિલ્લામાં. આવી જ એક DaniData એપ બંધ થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો દ્વારા DaniData નામની એપમાં રૂપિયા રોકવામાં આવ્યા હતા. આ એપમાં રૂપિયા રોકનારાઓ તેના ડબલ મેળવવાના સપના સેવ્યા હતા. તમામ રોકાણકારોને એવું હતું કે જે રૂપિયા રોક્યા છે તેના ડબલ થઈ જશે અને તેઓની લોટરી લાગી જશે. પરંતુ, આ જ લાલચ કરવી તેઓને મોંઘી પડી. DaniData નામની એપમાં રોકેલા રૂપિયા છેવટે રોકાણકારો ગુમાવવાનો વારો આવ્યો છે.
દર મહિને રોકાણકારોને લગભગ 60-70% જેટલો ફાયદો થતો હોવાનું આ ગેમ રમનારાઓ જણાવતા હતાં. એપ્લિકેશન યુઝર્સે શરૂઆતના તબક્કામાં થોડા રોકાણ સાથે શરૂઆત કરી હતી અને પછી તેમને જેમ જીત મળતી ગઈ અને ખાતામાં રકમ જમા થતી ગઈ તેમ તેમની લાલચ પણ વધતી ગઈ અને પોતાની બચત પણ એમાં નાખવા માંડ્યા. આ એપમાં લોકો પૈસા ડિપોઝિટ કરતા હતા અને એપમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફુટબોલ મેચ પર સટ્ટો રમવામાં આવતો હતો. આ એપમાં હોટ અને 3.3 નામની ગેમમાં પૈસા લગાવવાથી 0..75 ટકા વ્યાજ મળતું હતું. એક દિવસમાં ત્રણવાર હોટ ગેમ અને 3.3 નામની ગેમ પર 10,000 લગાવવા પર 225 રૂપિયા રોજના લોકોના એકાઉન્ટમાં જમા થતા હતા. લોકો દ્વારા ફૂટબોલ ગેમ પર પૈસા લગાવતા હતા. તેમજ પાનકાર્ડ અને બેન્ક ડિટેલ એપ સાથે લિંક કરવાથી લોકોના રૂપિયા વિડ્રોલ પણ થતા હતા. મહિનાની 11 થી 8 તારીખ સુખી એપમાંથી રૂપિયા વિડ્રોલ કરવા પર 10% કપાઈ જતા હતા, જ્યારે મહિનાની 9 અને 10 તારીખે રૂપિયા વિડ્રોલ કરવા પર પૂરેપૂરા પૈસા એકાઉન્ટમાં જમા થતા હતા. જેથી લોકો મહિનાથી 9 અને 10 તારીખે રૂપિયા વિડ્રોલ કરતા હતા. અને આમ આ મહિને પણ લોકો 9 તારીખની રાહ જોઇને બેઠા હતા ત્યારે એપ બંધ થઈ જતા હવે લોકો પછતાઈ રહ્યા છે.
દાનીડેટા નામની એક ઓનલાઇન એપ્લિકેશન છે. આ એપ્લિકેશનથી ફુટબોલ મેચમાં રોકાણ કરવાથી બે ગણું વળતર મળશે એવી લાલચ આપવામાં આવી હતી. મેચના સટ્ટામાં એક કા ડબલમાં વેપારી, ડોક્ટર સહિત અનેક અધિકારીઓએ પૈસા રોક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ એપ્લિકેશનમાં અચાનક જ બેલેન્સ ઝીરો થઇ જતા લોકોની સાથે કરોડોની છેતરપિંડી થઈ છે.