ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : આયર્ન મોદી હત્યા કેસના 10 આરોપીઓ ઝબ્બે

  • બનાસકાંઠા પોલીસની છ ટીમો દિવસ – રાત મહેનત કરી આરોપી સુધી પહોંચી હતી

પાલનપુર : પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરતા આયર્ન મોદીનું અપહરણ કરીને તેને ઢોર માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મોદી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસની છ ટીમો બનાવી આયર્ન મોદીની હત્યામાં સંડોવાયેલા દસ આરોપીઓને ઝડપી લીધા હતા. અને ત્રણ જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વ્યાપકપણે તપાસ હાથ ધરતા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આયર્નનું અપરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર જગાવનારા કોલેજીયન વિદ્યાર્થી આયર્ન મોદી હત્યા કેસને લઈને પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પાલનપુરની કોલેજમાં અભ્યાસ કરી રહેલા આયર્ન ભરતભાઈ મોદીને કોલેજમાંથી ફોન કરીને બહાર બોલાવી ગાડીમાં નાખી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને અજાણ્યા સ્થળે લઈ જઈ અને ઢોર માર મારી ઝેરી પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને છોડી મુકાયો હતો. જેનું પાછળથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને મોદી સમાજમાં રોષ પ્રસર્યો હતો. અને પાલનપુર શહેરમાં રવિવારે કેન્ડલ માર્ચ યોજી આયર્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને આરોપીઓને ઝડપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ગંભીરતાથી લીધી હતી. જેમાં બેદરકાર રહેલા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ ને સસ્પેન્ડ કરી દીધા હતા. અને જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી તેઓ ઘરે જશે નહીં તેવું વચન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી તપાસનો દોર લંબાવ્યો હતો

આ દરમિયાન પોલીસે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝા પાલનપુર ડીવાયએસપી જીગ્નેશ ગામીત, પાલનપુર એડમીન ડીવાયએસપી એમ. ટી. વ્યાસ તેમજ એલસીબી ની ટીમ, પેરોફર્લો, એસઓજી અને સાઇબર ક્રાઇમની ટીમના અધિકારીઓ એ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને છ ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી તપાસનો દૌર લંબાયો હતો. આ ટીમોએ ઝીણવટપૂર્વક તપાસ હાથ કરીને દસ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. તેમજ પોલીસે ત્રણ વાહનો પણ કબજે કર્યા છે.

નજરે જોનારા છ લોકોના નિવેદન લેવાયાં

આયર્ન મોદી હત્યા કેસમાં પોલીસે પોતાના બાતમીદારો, ટેકનિકલ એનાલિસિસ અને નેત્રમ ટીમની મદદ લીધી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આયર્ન ઓળખતો ન હતો. જેથી કયા કયા આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે ? તેની પ્રથમ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ ઘટના કેમ બની ?કેવી રીતે બની ? આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ પોલીસે કર્યો હતો. તેમજ કયા આરોપીઓએ કેવી ભૂમિકા ભજવી હતી. તેના પુરાવા ના આધારે કુલ છ જેટલા નજરે જોનારા લોકોના સીઆરપીસી ની કલમ 164 મુજબ નિવેદન પણ નોંધ્યા હતા.

સીસીટીવીના 250 ફૂટેજ ખંગોળાયા

આયર્ન મોદી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના 250 થી વધુ ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેના આધારે તમામ આરોપીઓ ના નામ અને માહિતી એકઠી કરવામાં આવી હતી. જેના માટે પોલીસની છ ટીમો બનાવવામાં આવી હતી. જે દિવસ -રાત મહેનત કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જઈને 12 થી વધુ જિલ્લાઓમાં 150 થી વધુ સ્થળોએ છાપેમારી કરી હતી. આ આરોપીઓ નાસતા ફરતા રહીને પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ રાખ્યો હતો. છતાં ટેકનીકલ ટીમે આરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આયર્ન હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ

1. કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ( ગુડોલ, રહેવાસી – કુષ્કલ  તાલુકો- પાલનપુર )
2. જગદીશ ભીખાભાઈ જુડાલ ( રહેવાસી – જગાણા તાલુકો – પાલનપુર )
3. વિપુલભાઈ ગણેશભાઈ કોરોટ ( રહેવાસી – ચંગવાડા  તાલુકો – પાલનપુર )
4. લક્ષ્મણભાઈ શામળભાઈ ચૌધરી ( રહેવાસી – વેસા તાલુકો – પાલનપુર )
5. સરદારભાઈ ગણેશભાઈ ચૌધરી ( રહેવાસી – ગીડાસણ  તાલુકો – પાલનપુર )
6. ભાવેશભાઈ મોગજીભાઈ કરેણ ( રહેવાસી -જગાણા તાલુકો – પાલનપુર )
7. ભાસ્કરભાઈ ભેમજીભાઈ ચૌધરી ( રહેવાસી – જગાણા તાલુકો – પાલનપુર )
8. આશિષ હરિભાઈ ઉપલાણા ( રહેવાસી – ચંગવાડા તાલુકો – પાલનપુર )
9. સરદાર વાલજીભાઈ ચૌધરી ( રહેવાસી – એદરાણા તાલુકો – પાલનપુર )
10. સુરેશ સરદારભાઈ કાથરોટિયા ( રહેવાસી – પટોસણ તાલુકો – પાલનપુર )

આ પ્રશ્નોના ઉત્તર બાકી 

  1. આયર્નની હત્યા કરવા પાછળ શું કારણ હતું ?
  2. તેને જરી પ્રવાહી પીવડાવાયું હતું કે કેમ?
  3. આયર્નને અપહરણ કરી ક્યાં લઈ ગયા હતા?
  4. આયર્નને કેટલા કલાક સુધી ગોંધી રખાયો હતો?
  5. આયર્ન ને ચૂપ રહેવા માટે તેને કે તેના પરિવાર માટે કોઈ ધમકી અપાઈ હતી કે કેમ ?
  6. આયર્ન સાથે શાનો દગો થયો હતો ?

એસપી અક્ષયરાજ અને બનાસકાંઠા પોલીસ સ્ટાફ પર અભિનંદનની વર્ષા 

આયર્નની હત્યામાં સંડોવાયેલા દસ આરોપીઓ ઝડપાતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને તેમની ટીમના તમામ કર્મચારીઓ ઉપર સોશિયલ મીડિયામાં બનાસકાંઠા જિલ્લામાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિવારજનોને 10 લાખ ચૂકવવા પડશે

Back to top button