23મીથી 25 દિવસનું વિધાનસભા સત્ર શુક્રવારે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે. જેમાં સરકારની વાહવાહીમાં એકતરફી કાર્યવાહીના પગલે સત્ર નિરસ રહેશે. તથા પેપરલીક, ઇમ્પેક્ટ ફીમાં ધારાસભાની સત્તા ઉપર તરાપ લગાશે. તેમજ મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક બનશે.
વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોને ચર્ચા માટે બહુ ઓછો સમય ફાળવાશે
પંદરમી ગુજરાત વિધાનસભાનું પહેલું બજેટ સત્ર કુલ 25 દિવસનું રહેશે. શાસક પક્ષ ભાજપના 156 ધારાસભ્યોને કારણે સંખ્યાબળને આધારે પ્રો-રેટા મુજબ સમય ફાળવવાની અપનાવાયેલી પ્રણાલીને પગલે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોને ચર્ચા માટે બહુ ઓછો સમય ફાળવાશે, પરિણામે સરકારની વાહવાહી સાથે એક તરફી કાર્યવાહીને પગલે બજેટ સત્ર નિરસ બની રહેશે. જો કે વિધાનસભા વિરોધ પક્ષના નેતાનું પદ નહીં ફાળવાતા સમસમી ગયેલો કોંગ્રેસ પક્ષ સરકારી પરીક્ષાઓ, ઇમ્પેક્ટ ફી કાયદા માટે વારંવાર વિધાનસભાની મંજૂરીને બદલે તે સત્તા પોતાને હસ્તક રાખવા ચોથીવાર આવી રહેલા સુધારા વિધેયક, બેરોજગારી, ખાદ્યતેલોના આસમાને ચઢતાં ભાવ સહિત મોંઘવારી, નર્મદા કેનાલોના બાંધકામમાં ભ્રષ્ટાચારને પગલે વારંવાર કેનાલો તૂટવાના બનાવો, ખેડૂતોના પ્રશ્નો જેવા વિવિધ મુદ્દાઓમાં આક્રમક વલણ અપનાવશે.
23મી ફેબ્રુઆરીથી શરૂ થતું સત્ર 29મી માર્ચે પૂર્ણ થશે
કામચલાઉ સમયપત્રક 23મી ફેબ્રુઆરીથી શરૂ થતું સત્ર 29મી માર્ચે પૂર્ણ થશે, જેમાં 24મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું બીજીવારનું અને વર્ષ 2023-24નું રાજ્યનું બજેટ રજૂ કરશે. આ અગાઉના છેલ્લા સત્રમાં ગવર્નર દેવવ્રત આચાર્યએ પરંપરા પ્રમાણે ગૃહમાં સંબોધન કર્યું હોવા છતાં આ સત્રારંભે ફરીવાર તેઓ ગૃહમાં આવી ઉદ્બોધન કરવાના છે.
25 દિવસના સત્ર પૈકી રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા થશે
અત્યારે બે વિધેયકો સત્રમાં શિડયુઅલ થયા છે, જેમાં વધુ મુદત વધારો આપવા સાથે કાયદાના સત્તા પોતાને હસ્તક રાખવા સંબંધનું ગુજરાત બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક-2023 અને ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત વિધેયક-2023 સમાવિષ્ટ છે. ગુજરાત સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી દરમાં સુધારો કરતાં વિધેયક ઉપરાંત વિધેયકો પણ સત્ર દરમિયાન ગૃહસમક્ષ આવવાની શક્યતા છે. કુલ 25 દિવસના સત્ર પૈકી રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા થશે.