જુનૈદ-નાસિર મર્ડર કેસ: હરિયાણામાં રાજસ્થાનના 30 થી 40 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ FIR
હરિયાણા પોલીસે એક મહિલાની ફરિયાદ પર રાજસ્થાન પોલીસના લગભગ 30 થી 40 પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસ હરિયાણામાં જુનૈદ અને નાસિરના અપહરણ અને હત્યા સાથે સંબંધિત છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંના એક શ્રીકાંત પંડિતની માતાએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન પોલીસ દ્વારા માર મારવાને કારણે તેની પુત્રવધૂના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયું હતું.
રાજસ્થાન પોલીસ એફઆઈઆરમાં આરોપી શ્રીકાંત પંડિતની માતા દુલારી દેવીએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રવધૂના ગર્ભમાં રહેલા બાળકનું મોત માર મારવાના કારણે થયું હતું. જો કે રાજસ્થાન પોલીસે મહિલાના આરોપોને નકારી કાઢ્યા છે. શ્રીકાંત પંડિત બે લોકોના અપહરણ અને હત્યાના કેસમાં આરોપી છે. પંડિત સ્થાનિક બજરંગ દળના નેતા મોનુ માનેસરના નેતૃત્વમાં ગૌ રક્ષા દળના સભ્ય છે.
કેસમાં ગર્ભપાતની કલમો લગાવવામાં આવી
નુહના એસપી વરુણ સિંગલાએ જણાવ્યું કે આરોપ નોંધવામાં આવ્યો છે. કેસમાં ગર્ભપાતની કલમો લગાવવામાં આવી છે. ફરિયાદના આધારે 30-40 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે બાળકના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કારણ કે ફોરેન્સિક લેબમાંથી વિસેરા ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મૃત્યુ પામેલા બાળકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે રવિવારે પોલીસ અને પરિવારજનોની હાજરીમાં તેનો મૃતદેહ ખોદીને બહાર કાઢવામાં આવ્યો હતો.
પંડિતની માતાએ આ આક્ષેપો કર્યા હતા
પંડિતની માતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન પોલીસના લગભગ 40 કર્મચારીઓ બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયા, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના અન્ય બે પુત્રોને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા. આ પહેલા રાજસ્થાનના ભરતપુરના પોલીસ અધિક્ષક શ્યામ સિંહે દાવો કર્યો હતો કે રાજસ્થાન અને હરિયાણા પોલીસના કર્મચારીઓ પંડિતના ઘરે ગયા હતા, પરંતુ તેઓ ઘરમાં પ્રવેશ્યા નહોતા.
આ પણ વાંચોઃ ભિવાની હત્યાકાંડઃ CM ગેહલોતે પીડિત પરિવારોને મળ્યા, ન્યાયની આપી ખાતરી
રાજસ્થાન પોલીસે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
શ્યામ સિંહે કહ્યું હતું કે આરોપી ત્યાં હાજર નહોતો. તેના બે ભાઈઓ ઘરની બહાર આવ્યા અને પૂછપરછ બાદ તેમને જવા દેવામાં આવ્યા. મહિલાએ લગાવેલા આરોપ ખોટા છે. તેમના પરિવારના સભ્ય આરોપી છે તેથી તેઓ આક્ષેપો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે હરિયાણાના ભિવાનીના લોહારુમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહોની ઓળખ જુનૈદ અને નાસિર તરીકે થઈ છે, જેમનું રાજસ્થાનના ભરતપુરથી અપહરણ કરવામાં આવ્યું હતું.