ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરની નવાબ સાહેબ તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી શાળામાં માતૃભાષા દિવસની અનોખી ઉજવણી

  • શાળામાં વિશેષ વાંચનાલય રૂમનું ઉદ્ઘાટન કરાયું : બે દિવસ સુધી પુસ્તક પ્રદર્શની, નિબંધ-વક્તૃત્વ સ્પર્ધા યોજાશે

પાલનપુર : 21મી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે.જેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ પોતાની ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજતા થાય અને તેમના જ્ઞાનમાં ઉત્તરોતર વધારો થાય તેવા ઉમદા આશયથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ ટી.જે.એસ.શિક્ષણ સંકુલમાં ખૂબ જ અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ધીરે ધીરે શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, અહીંના બાળકો હવે ઉચ્ચ અભ્યાસ કરી દેશ વિદેશમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડતા થયા છે. જેમાં જિલ્લામથક પાલનપુર શહેર શિક્ષણનું હબ બની રહ્યું છે, ત્યારે પાલનપુરમાં નગરપાલિકાના ટાઉનહોલની બાજુમાં વર્ષ 2007થી શરૂ થયેલ નવાબ સાહેબ તાલેમહંમદખાન સિલ્વર જ્યુબિલી જાગીરદાર સમાજ શિક્ષણ સંસ્થામાં અનોખી રીતે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શાળાના ટ્રસ્ટીઓએ વિધાર્થીઓ માટે વિશેષ વાંચનાલય રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.

જેમાં જુદા જુદા તમામ વિષયોના વાંચનનો રસથાળ પીરસતાં પુસ્તકોની પ્રદર્શની લગાવવામાં આવી છે. આ પુસ્તક પ્રદર્શની નિહાળવા માત્ર ટી.જે.એસ.શાળા જ નહીં અન્ય શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. શાળામાં 21 અને 22 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી માતૃભાષા દિવસની ઉજવણી ચાલનાર છે, જેમાં બીજા દિવસે વક્તૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા થકી બાળકોમાં રહેલી પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરાશે.

શાળાના આચાર્યા ડૉ.નસીમબેન પઠાણે જણાવ્યું હતું કે ,આ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઓછી ફિસમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે, તેમજ શિક્ષણ સાથે બાળકના સર્વાંગી વિકાસ માટે અમે જુદા જુદા દિવસોની પણ ઉજવણી કરતા હોઈએ છીએ, માતૃભાષા દિવસ નિમિત્તે અમે બે દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમો આપવાના છીએ,જે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.

નોંધનીય છે કે નવાબ સાહેબ તાલેમહંમદખાને પાલનપુરના દરેક ધર્મ જાતિના ગરીબ વર્ગના બાળકોના શિક્ષણ હેતુ માટે આ જગ્યા ટી.જે.એસ.સંસ્થાને દાનમાં આપી હતી, અને આજે આ શાળા કે. જી. થી લઈ ધોરણ 12 સુધીના બાળકોને શિક્ષણ સહિત આવી અન્ય પ્રવૃતિઓ દ્વારા મૂલ્યવર્ધિત શિક્ષણ આપી રહી છે, જે અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયી બાબત છે.

આ પણ વાંચો : પાલનપુર : જયંતિ ઠાકોરની હત્યાના વિરોધમાં દાંતા ગામ સજ્જડ બંધ, હિન્દુ સંગઠને રેલી યોજી ફાંસીની કરી માંગ

Back to top button