પાલનપુર : જંગલના અધિકાર માટે પાલનપુરમાં યોજાઇ આદિવાસીઓની વિશાળ રેલી
પાલનપુર: જંગલની જમીનના અધિકારોની માંગ સાથે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ- બહેનોની એક વિશાળ રેલી સોમવારે સવારે પાલનપુર ખાતે યોજાઇ હતી. અહીંની રામપુરા ચોકડીથી નીકળેલી આ વિશાળ મૌન રેલી પાંચ કિલોમીટર લાંબી હતી. જે પાલનપુર શહેરના માર્ગ પરથી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં જિલ્લા કલેકટર કચેરીમાં જંગલની જમીનના અધિકારીની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. હાથમાં બેનર સાથે નીકળેલી આ આદિવાસીઓની મૌન રેલીમાં બંને તાલુકાના આદિવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા.
જ્યારે આ રેલીમાં દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા હતા. જ્યારે આ રેલી પાલનપુરની કલેકટર કચેરી ખાતે પહોંચી ત્યારે હાથમાં બેનર સાથે “જંગલના જમીનના અધિકારો આપો” તેવા સૂત્રોચાર આદિવાસીઓ દ્વારા પોકારવામાં આવ્યા હતા. જ્યારે કલેકટર કચેરીમાં પ્રવેશને લઈને પોલીસ અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી થતા વાતાવરણમાં ગરમા ગરમી પ્રસરી ગઈ હતી.
કલેકટર કચેરીમાં પ્રવેશને લઈ ધારાસભ્ય – પોલીસ વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી
આદિવાસીઓને કચેરીમાં પ્રવેશવા દેવા માટે કાંતિ ખરાડીનો આગ્રહ હતો. જેને લઈને આ ટપાટપી થવા પામી હતી. દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ – બહેનો સાથે કલેક્ટર કચેરીમાં ઘુસ્યા હતા. આ દરમિયાન વાતાવરણમાં ગરમાવો પ્રસરી ગયો હતો. જ્યારે જંગલના જમીનના અધિકારોને લઈને આ અંગે ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, વર્ષ 2000 પછી કેન્દ્ર સરકારે કાયદો કર્યો હતો. તેના અનુસંધાને વર્ષોથી આદિવાસીઓ જંગલ વિસ્તારમાં રહે છે. જેમને જંગલનો અધિકાર સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. આજે રેલી યોજાઇ છે તેને મંજૂરી પણ આપવામાં આવી ન હતી. જેથી આદિવાસી પરિવારોએ મૌન રેલી યોજી હતી, ત્યારે અમે મૌન રહીને પણ શું રજૂઆત કરી શકીએ ? વારંવાર રજૂઆતો કરવા છતાં જંગલના અધિકાર સરકારે આદિવાસીઓને ન આપતા તેમના પરિવારનું પાલન પોષણ કેવી રીતે થઈ શકે તેવો પ્રશ્ન પણ તેમને ઉઠાવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે, જો આગામી દિવસોમાં આદિવાસીઓની માંગણી નહીં સંતોષાય તો તમામ આદિવાસીઓ કચેરી આગળ ધરણા પણ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આદિવાસી યુવા વિકાસ દ્વારા મૌન રેલીનું કરાયું હતું આયોજન
જ્યારે આદિવાસી યુવાન ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, આદિવાસી પરિવારો જંગલમાં રહીને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વન અધિકારના અધિનિયમ 2006 મુજબ આદિવાસી સમાજમાં જે વ્યક્તિ જ્યાં રહે છે. ત્યાં રહેઠાણ નું સ્થળ અને ખેડૂત હોય તો દસ એકર ખેતીની જમીન મળવા પાત્ર છે. આદિવાસી ખેડૂતોએ તેના માટે 8 થી 10 એકર જમીનની માગણીઓ કરી ત્યારે સરકારે માત્ર પાંચ થી 10 ગુંઠા જમીન જ આપી હતી.
View this post on Instagram
આટલી જમીનમાં માત્ર ઘર જ બને, ખેતી ન થઈ શકે. જેથી આદિવાસી સમાજ સાથે મજાક થઈ રહી હોય તેવું અમને લાગે છે. અગાઉ આજ મુદ્દે રેલી કરીને અનેકવાર આવેદનપત્ર આપેલા છે, છતાં તે જાણે કાગળ બનીને અભરાઈ ઉપર ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં જો અમારી આ માગણી નહીં સંતોષાય તો અમે કચેરીનો ઘેરાવ પણ કરીશું, ભૂખ હડતાળ અને રસ્તા ચક્કાજામ કરીશું. તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જ્યારે આદિવાસી આગેવાનો દ્વારા પાલનપુર કલેકટર કચેરીમાં નિવાસી નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.
આ પણ વાંચો :ઉપેન્દ્ર કુશવાહાએ ત્રીજી વખત નીતીશનો સાથ છોડ્યો, નવી પાર્ટીની જાહેરાત કરી